અમદાવાદઃ સમી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના ઘણા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સાંજ પડતાં જ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ત્યારે ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદના સેટેલાઇટ, પ્રહલાદનગર, સરખેજ, એસજી હાઇવે, ગોતા, શિવરંજની, થલતેજ, બોપલ, ઘુમા, જીવરાજ પાર્ક વગેરે વિસ્તારમાં વરસાદ ચાલુ થયો છે.
ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી આવું જ વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે. મહત્ત્વનું છે કે, કચ્છ-સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તમામ ઊભા પાક નાશ પામ્યા છે. તો આ વર્ષે કેરીનો ફાલ પણ ઓછો ઉતરે તેવી હાલત થઈ ગઈ છે. જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થાય તેવી શક્યતા છે.
રાજ્યમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આવામાં ગુજરાતના હવામાનને લઇને વધુ એક આગાહી (Gujarat Weather Forecast) સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. એટલે કે હજુ બે દિવસ માવઠુ થશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. 48 કલાક બાદ માવઠાથી છૂટકારો મળવાની શક્યતા છે.
ઘણાં વિસ્તારમાં તાપમાન નીચું નોંધાય તેવી શક્યતા
ડૉ. મોહંતીએ આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં મોટા ફેરફાર નહીં આવવાની સંભાવના વ્યક્ત કરી હતી. પરંતુ તે પછી ગરમીનું પ્રમાણ વધવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ જણાવે છે કે હાલ રાજ્યમાં સામાન્ય કરતા નીચું તાપમાન નોંધાય છે. ઘણાં વિસ્તારોમાં મહત્તમ તાપમાન ઘણું નીચું નોંધાઈ રહ્યું છે.