અમદાવાદ: સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ક્યારેક માતા પિતા એ આપેલો ઠપકો તેઓને ભારે પડી જતો હોય છે. માતા પિતાનો ઠપકો ક્યારેક કેટલાક બાળકોને માઠું લગાડી દે છે અને તેઓ ના ભરવાનું પગલું ભરી લેતા હોય છે. આવો જ એક બનાવ શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં શાળામાં અનિયમિત રહેતા ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માતા પિતાએ ઠપકો આપતા તે શાળા છૂટ્યા બાદ ઘરે પહોંચ્યો જ નહીં. જોકે, કોઇ અનિચ્છનીય બનાવ બને તે પહેલા જ પોલીસે તેને શોધી કાઢ્યો છે.
ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ આજે બપોરના સમયે ઘાટલોડિયા પોલીસને જાણ કરી હતી કે, તેમનો દસ વર્ષનો દીકરો કે જે ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે. જે શાળાએથી છૂટ્યા બાદ ઘરે આવ્યો નથી. તે બારોબાર ક્યાંક ચાલ્યો ગયેલ છે. તેના માતા પિતા એ પણ આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બાળક મળી આવ્યો ન હતો.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવી બાળકને શોધવા માટેની કામગીરી શરૂ કરી હતી. તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, બાળક વિશ્વકર્મા મંદિર પાસે આવેલા બ્રિજ નજીક છે. જેથી પોલીસની ટીમ તાત્કાલિક રીતે ત્યાં પહોંચી ગઈ હતી અને બાળકને શોધી કાઢ્યો હતો.
આ અંગે જ્યારે બાળકને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે, શાળામાં અનિયમિત રહેવાથી તેના માતા પિતા એ જે ઠપકો આપ્યો હતો તેનાથી માઠું લાગતા તેણે આ પગલું ભર્યું હતું. .