અમદાવાદઃ શહેરની એરપોર્ટ પોલીસે એક આરોપી વિરૂધ્ધ ખોટી ઓળખ આપી લૂંટની ખોટી ફરિયાદ આપી હોવાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીએ પોતે દિલ્હી ખાતે આવેલી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતો હોવાની ખોટી ઓળખ આપી તેમજ લૂંટના બનાવની ખોટી હકીકત જાહેર કરતા પોલીસને ધંધે લગાડી હતી. જેથી હવે પોલીસે આ જ આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતો હોવાનું સામે આવ્યું છે.
માર મારી લૂંટ ચલાવી હોવાની જાણ કરી હતી
એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ આર.એચ.પાંડવ સર્વેલન્સ સ્કવોડમાં હાજર હતા, ત્યારે એરપોર્ટ પો.સ્ટેના પીએસઓએ ટેલીફોનીક જાણ કરી હતી કે, એક ફરીયાદી પોલીસ કન્ટ્રોલ રૂમમાં ગયેલ હતો અને લૂંટની જાહેરાત કરી હતી. જે ફરિયાદીને પોલીસ સ્ટેશન લાવવા માટે પોલીસ ટીમની ગાડીને મોકલી આપી હતી. પોલીસ કંટ્રોલ રૂમમાં લૂંટની જાહેરાત કરનાર વ્યક્તિને બાદમાં પોલીસ સ્ટેશન લાવી તેની પૂછપરછ શરૂ કરી હતી. સુધીરકુમાર બોરાડા (રહે. અશોકનગર ઇન્ડીયન આર્મી કવાર્ટસ, ઇન્ડીયા ગેટ, દિલ્હી) નામના આ વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, તેણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં આ બાબતની જાણ કરી હતી. સુધીરકુમાર નામનો આ વ્યક્તિ દિલ્હી ખાતે રહે છે અને 4 ફેબ્રુઆરીના રોજ તે અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ ઉપર આવ્યો હતો અને પોતે જી-20માં ભાષાના જાણકાર તરીકે આવ્યો હતો. બાદમાં બહાર રોડ ઉપર આવીને ટેક્સીમાં બેઠો હતો. ટેક્સી ડ્રાઇવર અને ત્રણ લોકોએ સાથે મળીને તેને માર મારીને તેની બેગ અને આઇ ફોન તેમજ પૈસાની લૂંટ કરીને ભાગી ગયા હતા. જોકે, તેણે ગાડીનો નંબર જોયો ન હોવાનું પોલીસને જણાવ્યુ હતું. આ સુધીરકુમાર નામનો યુવક પોતે મુળ વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશનો છે અને પોતે દિલ્હી ખાતે આવેલી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીમાં વર્ષ 2013થી 2017 દરમિયાન હેડ કમેન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો હોવાનું પણ તેણે પોલીસને જણાવ્યું હતું.
બાદમાં પોલીસે બનાવ સંબંધે વધુ પૂછપરછ કરતાં જણાવ્યું કે, મુંબઇ ખાતે જી-20 મીટીંગમાં જવાનું હોવાથી તે દિલ્હી એરપોર્ટથી અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ ઉપર આવ્યો હતો અને અમદાવાદથી મુંબઇની ફ્લાઇટ હોવાથી એરપોર્ટની નજીક આવેલી હોટલ તાજમાં એક રૂમ બુક કરાવ્યો હતો. એરપોર્ટની બહાર આવી હોટલ ઉપર જવા માટે ટેકસીની રાહ જોઇને ઉભો હતો ત્યારે વહેલી સવારના આશરે ચારેક વાગે એક સફેદ કલરની સ્વીફટ ડિઝાયર ટેક્સીમાં બેસી ટેક્સીચાલકને તાજ હોટલ લઇ જવાનું જણાવ્યું હતું. પરંતુ ટેક્સીચાલકે તેને ટેક્સીમાં બેસાડી હોટલ તાજ ખાતે છોડવાના બદલે એરપોર્ટ સર્કલ આગળ આવેલ બીજા સર્કલ પાસેથી જમણી સાઇડે થોડે આગળ ઝાડ નીચે લઇ જઇ ટેક્સી ઉભી રાખી તેની પત્નીને દવાખાને લઇ જવાનું જણાવી બોલાચાલી કરી હતી. તેમજ અન્ય ત્રણ અજાણ્યા લોકોએ ટેક્સી ડ્રાઇવરનું ઉપરાણું લઇ તેની સાથે ઝગડો કરી ત્રણેય લોકોએ માર મારી ટેક્સી ડ્રાઇવર તથા ત્રણ લોકોએ રોકડા રૂ. 30 હજાર તથા લેપટોપ તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1.05 લાખની લૂંટ કરી હતી.
કડકાઇથી પૂછપરછ કરતાં હકીકત સામે આવી
જેથી પોલીસે ફરીયાદીને સાથે રાખી બનાવવાળી જગ્યાએ જઇ તપાસ કરતા કોઇ સીસીટીવી ફૂટેજ જણાઇ આવ્યા નહોતા. તેમજ ફરીયાદીએ સવારના ત્રણ વાગે ઇન્ડીગો ફલાઇટમાં આવેલાનું જણાવતા પોલીસે ઇન્ડીગો ફ્લાઇટ બાબતે એરપોર્ટમાં તપાસ કરતા સવારમાં ત્રણ વાગે કોઇ ઇન્ડીગો ફ્લાઇટ આવી જ ન હોવાનું જણાયું હતું. તેમજ એરપોર્ટ ખાતેના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી એરપોર્ટ પર પણ ન આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસને શંકા જતા આ યુવકની કડકાઇથી પૂછપરછ કરતાં પોતે દિલ્હી ખાતે આવેલી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના સરકારી કર્મચારી તરીકે નોકરી નહીં કરતો હોવાની તેમ જ તેની સાથે લૂંટનો કોઈ બનાવ ન બન્યું હોવાનું જણાવતા ઓનલાઇન આ શખ્સની તપાસ કરતાં તે તમિલનાડુ ખાતે આવેલા પેરૂગુડી પો.સ્ટે.માં છેતરપિંડીના ગુનામાં પકડાયેલ હોવાનું પણ સામે આવ્યું હતું.
જેથી પોલીસે સુધીર શ્રીનુ બોરાડા (ઉ.વ.૨૪., રહે. દિલ્હી. મુળ. વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ)ની પોતે દિલ્હી ખાતે આવેલ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતો હોવાની ખોટી ઓળખ આપી તેમજ લૂંટના બનાવની ખોટી હકીકત જાહેર કરવા બદલ ગુનો નોંધી અટકાયત કરી હતી. આરોપીની તપાસમાં એ પણ સામે આવ્યું કે માત્ર અહીં આવ્યા બાદ દિલ્હી પરત મફતમાં જવા માટે જ તેણે લૂંટાયો હોવાનું તરકટ રચ્યું હતું. ત્યારે આરોપીએ અન્ય કોઇ જગ્યાએ આવું કર્યું છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.