Home /News /ahmedabad /અમદાવાદઃ પ્રેમ લગ્નના દસ જ દિવસમાં યુવતીને સૌતન હોવાની થઇ જાણ, પતિને પકડ્યો રંગેહાથ

અમદાવાદઃ પ્રેમ લગ્નના દસ જ દિવસમાં યુવતીને સૌતન હોવાની થઇ જાણ, પતિને પકડ્યો રંગેહાથ

પતિએ છૂટાછેડા સુધીની વાત કરતા અંતે યુવતીએ પોલીસ ફરિયાદ કરી

Ahmedabad News: પતિએ પ્રેમ પ્રકરણ હોવાનું સ્વીકારી પત્નીને માર મારી ત્રાસ આપ્યો, છૂટાછેડા સુધી વાત પહોંચી ને હવે નોંધાઇ પોલીસ ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીએ વર્ષ 2022માં તેના પ્રેમી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે તેના સાસરે રહેવા ગઇ ત્યારે દસ જ દિવસમાં તેના પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાનું મોબાઇલ ફોન મારફતે જાણવા મળ્યું હતું. પતિને તે બાબતે વાત કરતા પતિએ તેને ફટકારી હતી. પતિએ પ્રેમસંબંધ હોવાનું સ્વીકારી માર મારી આ યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, પિયરમાં ગયેલી યુવતીને ગર્ભ હતો તો સાસુએ ગર્ભ પડાવી દેવાની પણ વાત કરી હતી. આખરે પતિએ છૂટાછેડા સુધીની વાત કરતા અંતે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

'મારે એક યુવતી સાથે પ્રેમસંબંધ છે અને રહેશે'

શહેરના મેઘાણીનગરમાં રહેતી 24 વર્ષીય યુવતી હાલમાં માતા-પિતા સાથે લગ્ન બાદના છેલ્લા 9 માસથી રહે છે. યુવતીએ આર્મી ઈન્સ્ટીટયુટ ઓફ કલકત્તા ખાતેથી વર્ષ 2016માં એમ.બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે. યુવતી કલકત્તા ખાતે અભ્યાસ કરતી હતી ત્યારે તેની ઓળખાણ વર્ષ 2014માં તેની સાથે અભ્યાસ કરતા એક યુવક સાથે થઇ હતી. બાદમાં બન્ને વચ્ચે મિત્રતા થઇ અને આ મિત્રતા પ્રેમ માં પરિણમી હતી. બાદમાં બન્નેએ લગ્ન કરવાનું નક્કી કરતા બન્નેએ માતા-પિતાને વાતચીત કરી હતી. બાદમાં બન્ને કુટુંબની સહમતીથી બન્નેએ વર્ષ 2022માં શાહીબાગ ખાતે આવેલા એક બેન્કવેટ હોલમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ યુવતી હરિયાણા ખાતે તેના સાસરે રહેવા ગઇ હતી. લગ્નના દસેક દિવસ બાદ યુવતીના પતિને બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ હોવાની મોબાઇલ ફોન દ્વારા ખબર પડી હતી. જેથી તેણે આ બાબતે પતિને પૂછતા પોતાને એક યુવતી સાથે પ્રેમસંબંધ છે અને રહેશે તેમ કહ્યું હતું.

આ પણ વાંચો: NIDના પૂર્વ સેક્રેટરીનો આપઘાત, સ્યુસાઈટ નોટમાં જણાવી આ વાત

'તે લગ્ન કર્યા છે તારે જોવાનું'

જેથી યુવતીએ તેની સાસુ તથા દિચરને આ વાત કરી તો તેમણે કહ્યું કે, "તુને સાદી કી હૈ તુ જાન ". ત્યાર બાદથી યુવતીનો પતિ તેને મનફાવે તેમ બોલતો અને તેને કઈ પણ કહે તો માર મારતો હતો. સાસુ અને દિયર પણ યુવતીના પતિનો પક્ષ લઇને તેને મહેણા ટોણા મારતા હતા. બાદમાં યુવતીની સાસુએ 'તારા કારણે અમને કઈ પણ દહેજ મળ્યું નથી' તેમ કહ્યું હતું. જેથી યુવતીએ તેમને કહ્યું કે, તેના પિતાએ ગાડી આપી છે તેમ કહેતા સાસુ ગુસ્સે થઈ હતી અને જેમ ફાવે તેમ બોલવા લાગી હતી. બાદમાં સાસુએ 'હમે તો તેરે સે ભી જયાદા પૈસે દેને વાલી બહુ મિલતીથી તુને મેરે લડકે કો ફસાયા' તેમ કહી ત્રાસ આપ્યો હતો. બાદમાં યુવતીના દિયરે પણ યુવતી ઘરની કોઈ સદસ્ય નથી તે રીતે તેની સાથે વર્તન કરી શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. બાદમાં સાસરિયાઓ આ યુવતીને તેના પિયરમાંથી વધુ રૂપિયા લઇ આવવા દબાણ કરતા હતા. એક દિવસ યુવતીએ તેના પતિને તેની પ્રેમિકા સાથે વાતો કરતા ઘરમાં પકડી પાડતા તે બન્ને વચ્ચે ઝઘડો થતા પતિએ યુવતીને ફટકારી હતી. બાદમાં યુવતીને ઘરમાંથી કાઢી મૂકવાનું કહેતા યુવતીએ ઘરમાંથી નહીં નીકળું તેમ કહી ત્યાં જ રહી હતી.

પુત્રનો જન્મ થતાં તેને જોવા પણ ન આવ્યો પતિ

સાસરીયાઓના આ ત્રાસથી કંટાળીને સમગ્ર બાબતે યુવતીએ તેના માતા-પિતાને ફોન ઉપર જાણ કરી હતી. જેથી તેના માતા-પિતા તેને અમદાવાદ ખાતે લઈ આવ્યા હતા. અમદાવાદ પિયરમાં આવ્યા બાદ યુવતી ગર્ભવતી હોવાની તેને ખબર પડી હતી. જે વાત તેણે તેના પતિને કરતા તેના પતિએ ફોન ઉપર ઝઘડો કરી મારે તને રાખવી નથી, તેમ કહ્યું હતું. બાદમાં સાસુએ ગર્ભ પડાવી દેવાનું કહેતા યુવતી ડરના કારણે સાસરે ગઈ નહોતી. બાદમાં યુવતીએ થોડા સમય પછી દીકરાને જન્મ આપ્યો હતો. પરંતુ સાસુ કે પતિ યુવતીના પુત્રને જોવા પણ આવ્યા નહોતા. બાદમાં તેના પતિએ છૂટાછેડાની વાત કરી ઝઘડો કર્યો હતો. બાદમાં દહેજમાં મળેલી ગાડીમાં યુવતીનો પતિ સામાન ભરી આપી ગયો હતો અને મંગળસૂત્ર તથા વિંટી સાસરિયાઓ લઈ ગયા હતા. આમ સાસરીયાઓના આ ત્રાસથી કંટાળી યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन