અમદાવાદ: હાલ અમદાવાદની સ્વનિર્ભર યુવતી ભારે ચર્ચામાં છે. નેહા ભટ્ટ નામની આ યુવતીએ અકસ્માતમાં પગ ગુમાવ્યો પરંતુ પોતાનું મનોબળ મક્કમ રાખીને જીવન જીવે છે. આ યુવતી શહેરના રિવરફ્રન્ટ પાસે ટી સ્ટોલ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આજે ફરીથી આ યુવતી ચર્ચામાં આવી છે. પોલીસે નેહા ભટ્ટનો ટી સ્ટોલ દૂર કરતા તે ધ્રુસકેને ધ્રુસ્કે રડી પડી હતી. જેનો વીડિયોએ પણ સવારથી લોકોમાં ચર્ચા જગાવી છે.
'તમે વિક્લાંગ દીકરીને હેરાન કરો છો'
આ વીડિયોમાં નેહા ભટ્ટ આંખોમાં આંસુ સાથે પોલીસને અનેક ફરિયાદ કરતા દેખાઇ રહ્યા છે. જેમાં તેઓ પોલીસ અધિકારીઓને વ્યથા વ્યક્ત કરતા જણાવે છે કે, 'તમે વિક્લાંગ દીકરીને હેરાન કરી રહ્યા છે. તમે કીધું હોત કે, આજે સીએમસ સાહેબ આવે છે તો હું જતી રહેત. હું પણ માણસ છું હું પણ તેમની રિસ્પેક્ટ કરું છું. હું કોઇનું ખરાબ નથી કરતી.'
'હું ચોરી નથી કરતી'
આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે, 'હું ખોટી નથી અને ખોટું પણ નથી બોલતી. હું ગરીબ છું, કામ કરું છું, ચોરી નથી કરતી. કોઇની પાસે ભીખ નથી માંગતી. ગુજરાતની બધી પબ્લિક મને સપોર્ટ કરે છે.'
આપને જણાવીએ કે, નેહા ભટ્ટ શહેરના રિવરફ્રન્ટ પાસે એમપ્યુ ટી સ્ટોલ ચલાવી પગભર થયા છે. તેઓ પોતાના તમામ કામ જાતે જ કરે છે. હાલ તેઓ અટલ બ્રિજ રિવરફ્રન્ટની સામે એમપ્યુ ટી ચલાવી રહ્યા છે. સાથે સાથે ઓનલાઈન ઈ-ચાનો નવો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. જેમાં તમે ઓનલાઈન પેમેન્ટ કરી જરૂરિયાતમંદ લોકોને ચા પીવડાવી શકો છો.
થોડા દિવસ પહેલા અમારા સંવાદદાતાએ નેહા ભટ્ટ સાથે ઘણી વાત કરી હતી. ત્યારે તેમણે વાત કરતા જણાવ્યું હતુ કે. 'હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. નાનપણથી મારું એક જ સ્વપ્ન હતું કે, ભણીગણીને જીવનમાં કંઈક નવું કરવુ છે. મારો જન્મ મહુવામાં થયો હતો. ધોરણ 12 પાસ કર્યા બાદ મોન્ટેસરીનો અભ્યાસ કર્યો. પરંતુ પરિવારની સ્થિતિ આર્થિક રીતે નબળી હોવાને લીધે પરિવારને ટેકો આપવા જોબ શરૂ કરી. મને ગાંધીનગરની એક શાળામાં શિક્ષક તરીકે સારી નોકરી મળી ગઈ. અમે મહુવામાં પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. પોતાનું મકાન ખરીદવા માટે અમે બેન્કમાં લોન મેળવવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ કોઈ કારણસર ફાઈલ અટકી પડતી હતી. અચાનક એક દિવસ બેન્કમાંથી ફોન આવ્યો કે, તમારી લોન પાસ થઈ જશે. પરંતુ તેના માટે તમારા સાઈનની જરૂર છે.'
નેહા ભટ્ટે આગળ વાત કરતા જણાવ્યું કે, 'બીજા દિવસે હું સવારે વહેલા ઊઠી સરકારી બસમાં ઘરે જવા અમદાવાદથી નીકળી. પરંતુ રસ્તામાં બગોદરા હાઈવે પર અમારી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો. આ ભયંકર અકસ્માતમાં હું ગંભીર રીતે ઘાયલ થઈ. ત્યારબાદ મને 108 એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં સારવાર કરવામાં આવી.'