અમદાવાદઃ શહેરમાં અવારનવાર દુષ્કર્મના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે એક નિઃસંતાન મહિલાને લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. ઢોંગી તાંત્રિકે નિઃસંતાન મહિલાને બાળક પ્રાપ્ત કરાવી આપવાની લાલચ આપી હતી. તેટલું જ નહીં, કેટલીક મહિલાઓને તાંત્રિક વિધિ કરી પૈસાનો વરસાદ કરી આપવાની લાલચ આપતો હતો. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખરે આ ઢોંગી તાંત્રિકની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં રહેતી એક મહિલાએ સંતાનપ્રાપ્તિ માટે એક તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. મહિલાને સંતાન ન થતું હોવાથી તેણે મૂળ કપડવંજના દિલદારમિયાં ઉર્ફે દિલાવરમિયાં કાલુમિયાં શેખ સાથે સંપર્કને કર્યો હતો. તેણે મહિલાનો સંપર્કનો રાજસ્થાનના બાસવાડા જિલ્લામાં રહેતા મુકેશ ગરાસિયા નામના તાંત્રિક સાથે સંપર્ક કરાવ્યો હતો.
ત્યારે તાંત્રિકે વિધિથી સંતાનપ્રાપ્તિ કરાવી આપવાનું કહીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી અને ત્યારે આરોપી દિલદારમિયાં ઉર્ફે દિલાવરમિયાં મહિલાને દાહોદ જિલ્લાના ફતેપુરા ગામમાં લઈ ગયો હતો. ત્યાંથી આરોપી મુકેશ ગરાસિયાના જણાવ્યા મુજબ, રાજસ્થાનના આનંદપુરી તાલુકાના ઉમેદપુરા ગામમાં ડોક્ટર મિથુન સરકારના મકાનમાં લઈ ગયા હતા. ત્યાં એક રૂમમાં લઈ જઈ મહિલાને નિર્વસ્ત્ર કરી કાળા ગાદલા પર ઊંઘાડી આંખો બંધ કરાવી દીધી હતી. ત્યારબાદ તેની બાજુમાં દીવો કરી ચૂંદડી તથા પૂજાના સામાનથી તેના પર તાંત્રિક વિધિ કરી હતી અને વિધિ દરમિયાન મહિલાની મરજી વિરુદ્ધ તેના પર બળાત્કાર કર્યો હતો. જો કે, મહિલા ગભરાઈને ઊભી થઈ જતા આરોપીએ વિધિ ફેલ થઈ ગઈ છે તેમ જણાવ્યું હતું. મહિલા આ બનાવને લઈને ગભરાઈ ગઈ હતી.
ફોનમાંથી અનેક મહિલાના ફોટા મળ્યાં
ત્યારબાદ મહિલા અમદાવાદ પરત આવી ગઈ હતી અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આરોપી દિલદારમિયાં ઉર્ફે દિલાવરમિયાંની ધરપકડ કર્યા બાદ મુખ્ય આરોપી તાંત્રિક મુકેશ ગરાસિયાની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. એટલું જ નહીં, આરોપીના મોબાઇલ ફોનમાંથી અનેક મહિલાઓ અને યુવતીઓના ફોટોગ્રાફ્સ સહિત કેટલીક વિગતો મળી આવી છે.
આરોપી લોભામણી લાલચ આપતો હતો
આરોપીઓ તાંત્રિક વિધિથી સંતાનપ્રાપ્તિ કરાવી આપવાના બદલામાં રૂપિયા બે લાખની પણ માગણી કરતા હતા. જો કે, આ ઉપરાંત આરોપી તાંત્રિક વિધિ કરીને રૂપિયાનો વરસાદ કરી આપવા માટેની પણ લાલચ લોકોને આપતો હતો. પાંચથી છ ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી મહિલા, જેના શરીર ઉપર કોઈપણ પ્રકારનો ચિહ્ન જેમાં ટેટૂ, છૂંદણા તથા સિજેરિયન થયેલી ન હોય તેમ જ તેને કૂતરું કરડેલું ન હોય તેવી મહિલાને એકાંતમાં રાખી નિર્વસ્ત્ર કરી તેના ઉપર તાંત્રિક વિધિ કરી પૈસાનો વરસાદ કરી શકતો હોવાની પોતાની પાસે આવડત હોવાની વાત પણ પરિચિતોને કરી હતી. હાલમાં પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.