Home /News /ahmedabad /AHMEDABAD SUICIDE CASE: લફરાને કારણે હસતો રમતો પરિવાર વિખેરાયો, બે બાળકોના પિતાએ પત્નીની બેવફાઇથી ત્રાસીને કર્યો આપઘાત
AHMEDABAD SUICIDE CASE: લફરાને કારણે હસતો રમતો પરિવાર વિખેરાયો, બે બાળકોના પિતાએ પત્નીની બેવફાઇથી ત્રાસીને કર્યો આપઘાત
મુકેશ પ્રિયદર્શી આત્મહત્યા
AHMEDABAD SUICIDE CASE: અમદાવાદના મુકેશ પ્રિયદર્શી નામના બે સંતાનોના પિતા એવા યુવાને પત્નીના પ્રેમી સાથે ભાગી જવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. તેણે દિલ રડાવી દે એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
અમદાવાદઃ અમદાવાદના વટવામાં એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. તેની પત્ની તેના પ્રેમી સાથે નાસી જતાં પતિએ મેરેજ એનિવર્સરીના દિવસે જ ગળેફાંસો ખાઈ લીધો હતો. તેણે વિડીયો બનાવીને પોતાની પત્ની અને તેણીના આશિકને પોતાના આપઘાતનું કારણ બતાવ્યા હતા. તેણે પહેલાં બાઇક વેચી બાળકોની સ્કૂલ અને ટ્યૂશનની ફી ભરી હતી. ત્યાર બાદ પાંચ વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ વીડિયોમાં તે પોલીસ પર આક્ષેપ કરે છે અને તે આક્ષેપો બહાર આવતા જ વટવા પોલીસે પોતાની આબરૂ બચાવવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી નામની માત્ર તપાસ શરૂ કરી છે.
મૃતકની પત્ની અને તેના પ્રેમી સામે ગુનો નોંધી તપાસ શરૂ
મુકેશભાઇ વટવા વિસ્તારમાં આવેલી વલ્લભપાર્ક સોસાયટીમાં રહેતા હતા. તેમના લગ્ન ઉર્મિલાબેન સાથે થયાં હતાં. 18 વર્ષનાં લગ્નજીવન દરમિયાન તેમને બે દીકરાનો જન્મ થયો હતો. ગુરુવારે સાંજે પાંચેક વાગે મુકેશભાઈના ભાઈ પર તેમના કૌટુંબિક કાકાએ ફોન કરીને જાણ કરી હતી કે, મુકેશે ગળેફાંસો ખાધો છે. વીડિયોમાં મુકેશભાઈ મરી જવાની વાતો કરતા હતા, જેથી સંબંધીએ મુકેશભાઈને ત્રણ ચાર વખત ફોન કર્યો હતો. જોકે, તેમણે ફોન ઉપાડયો ન હતો. આથી તેઓ બાઈક લઈને વટવા મુકેશભાઈના ઘરે આવ્યા હતા અને જોયું તો ઘરના હોલમાં મુકેશભાઈ પંખા સાથે નાઈલોનની દોરીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. મુકેશભાઈએ તેમના લગ્નની તિથિએ જ આ અંતિમ પગલું ભર્યું છે. આ પહેલાં તેમણે પાંચ વીડિયો બનાવ્યા હતા, જેમાં પત્ની સાથે ગાળેલો સમય, બાળકોની ચિંતા અને પરિવારને સંબોધન કરી માફી માગી હતી. આ ઉપરાંત તેમણે વટવા પોલીસની કામગીરી પર પણ એક વીડિયોમાં સવાલ ઊભો કર્યો હતો. પત્નીને સોસાયટીમાં રહેતા મનિષસિંગ રાજપૂતે ભગાડી જઈ ક્યાંક છુપાવી રાખી હોવાનું પણ મુકેશભાઇએ વીડિયોમાં જણાવ્યું છે. હાલ આ બનાવ અંગે વટવા પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કેવી રીતે જાણ થઈ? પાંચ વિડીયો બનાવ્યા
નારોલમાં રહેતા ભાવેશભાઇ પરમાર તેમના પરિવાર સાથે રહે છે. તેમનો એક ભાઇ મુકેશ પ્રિયદર્શી પહેલા ભાવેશભાઇના જ ફ્લેટમાં રહેતો હતો પણ તેની પત્નીને એક યુવક સાથે આંખ મળી જતા તે વટવા રહેવા જતો રહ્યો હતો. વટવામાં રહેતા 40 વર્ષીય મુકેશભાએ તેની પત્ની, પ્રેમી સાથે નાસી જતાં વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, યુવકને પોલીસ તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન સાંપડતા કંટાળીને ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અંતિમ પગલું ભરતા પહેલાં યુવકે અલગ-અલગ પાંચ વીડિયો બનાવ્યા હતા, જેમાં તેના અને તેની પત્નીના લગ્નજીવન વિશે તેમ જ બાળકોની સાથે વાત કરી હતી. આ ઉપરાંત વટવામાં નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ એક પોલીસ કર્મચારીએ તેની સાથે જે રીતે વાત કરી તે અંગે પણ વીડિયો બનાવી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યો હતો.
સ્યુસાઇડ વીડિયોમાં આક્ષેપ
‘હું મુકેશ પ્રિયદર્શી. 10 તારીખે આત્મહત્યા કરીશ, તેના માટે હું મારી વાઇફ ઉર્મિલા પ્રિયદર્શી અને મનિષસિંગ રાજપૂતને જવાબદાર ગણું છું, કેમ કે આ બંનેના અનૈતિક સંબંધોને લીધે હું કંટાળી ગયો છું. તે મારી વાઇફને ભગાડીને લઈ ગયો છે અને કબૂલતો નથી કે તેને ક્યાં રાખી છે. વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં સુરેશસાહેબે પણ હું નીચી જાતિનો હોવાથી મારો સાથ ન આપ્યો અને પાંચ લાખ રૂપિયા ખાધા છે અને મારી વાઇફને મારી સમક્ષ પણ હાજર નથી કરી કે, તેને હું સમજાવી શકું. મારા બે દીકરાને લીધે અત્યાર સુધી હું કંઈ ન કરી શક્યો. હું મારી વાઈફને બહુ પ્રેમ કરું છું, ભલે એ મને કરતી નથી. હું ધારું તો મનિષસિંગ રાજપૂતને મારી શકું છું, પણ હું એવું કરવા માગતો નથી. મારા બે દીકરાની સામે જોઈને જીવવાનો પ્રયત્ન કર્યો કે, હું જીવું, પરંતુ મારાથી તેનાથી જુદા રહેવાની વેદના સહન થતી નથી. હું મારી વાઇફને બહુ પ્રેમ કરું છું. લોકો ગમે તે કહે, હું તેના વગર નથી રહી શકતો. તેના વગર જીવન મારા માટે નકામું છે. એ બંનેના અનૈતિક સંબંધોને લીધે હું મારો દેહ ત્યાગું છું. બંધારણમાં અને કાયદામાં એવું ક્યાં લખેલું છે કે, સ્ત્રી ગમે તેટલા પુરુષો સાથે સબંધ રાખી શકે સુરેશ સાહેબ મને એવું કહે છે કે, એ એની મરજીથી ગઈ છે, એની મરજી ક્યાંથી હોય. પત્ની, પતિ હોય છતાં બીજા સાથે ગેરસંબંધ રાખી ન શકે, એ રીતે સુરેશસાહેબને કહો કે, તેમની પત્ની પણ આ રીતે કોઈની સાથે ગેરસંબંધ રાખે તો ચલાવી લેજે ભાઈ. આવી રીતે તો દરેકની સ્ત્રીઓ આવું કરશે તો એ પુરુષોનું અને તેમના દીકરાઓનું શું થશે?....સરસ સંસાર ચાલતો હતો મીઠીની સાથે તીખી વાતો પણ છે...મનિષસિંગે મારી પત્નીને પટાવી લીધી...તેણે કોઇ જગ્યાએ રાખી છે તે જાણ કરતો નથી...બહુ માનસિક યાતના સહન કરૂ છુ. સાળા અને બહેન પર જ વિશ્વાસ છે જે મારા બાળકોને સાચવી શકશે. પપ્પાએ તમારૂં ના વિચાર્યુ મમ્મીએ પણ તમારૂં ના વિચાર્યુ. સોરી બેટાઓ. બાઇક વેચીને બંને બાળકોની ફી ભરી દીધી છે. જે થુતું હતું તે કરીને જવું છું.
મૃતકે આપઘાત કરતા પહેલા કોઇ પોલીસકર્મીના નામ સાથે તેની પર આક્ષેપો કર્યા હતા. જે વાત હવે બહાર આવતા જ વટવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પૈસા માટે પોતાની લૂંટાઇ ગયેલી આબરૂ બચાવવા માટે હવાતિયા મારવા લાગ્યા. સતત ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન લઇને આખરે પોલીસે મૃતકની પત્ની અને પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોતાની લૂંટાઇ ગયેલી આબરૂ બચાવી લેવાનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.