Home /News /ahmedabad /અમદાવાદમાં સરકારી રૂપિયાનો ધુમાડો, RTIમાં ખુલાસો; નિયમથી ઉપરવટ જઈ કોન્ટ્રાક્ટ આપતા અનેક સવાલ ઊભા થયા
અમદાવાદમાં સરકારી રૂપિયાનો ધુમાડો, RTIમાં ખુલાસો; નિયમથી ઉપરવટ જઈ કોન્ટ્રાક્ટ આપતા અનેક સવાલ ઊભા થયા
ફાઇલ તસવીર
U-20 સમિતિ પહેલાં અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટના રોડ-રસ્તા ઉપર સુશોભન કરવા માટે લગાવવામાં આવેલા ‘સ્ટેન્ડ સાથે ફ્લાવર બાસ્કેટ’માં ગેરરીતિ કરી હોવાનો ખુલાસો થયો છે. RTI કરતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે.
અમદાવાદઃ U-20 સમિતિ પહેલાં અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટના રોડ-રસ્તા ઉપર સુશોભન કરવા માટે લગાવવામાં આવેલા ‘સ્ટેન્ડ સાથે ફ્લાવર બાસ્કેટ’માં ગેરરીતિ કરી હોવાનો ખુલાસો થયો છે. સમિતિ પહેલાં શહેરમાં પૂર્વ અને પશ્ચિમ રિવરફ્રન્ટ પર તેમજ શાહીબાગ વિસ્તારમાં ફ્લાવર બાસ્કેટ મૂકવામાં આવ્યા હતા. કોઇ પણ ટેન્ડર પ્રક્રિયા વગર ક્વોટના આધારે ચાર લાખ રૂપિયા કામ આપવામાં આવ્યું હતું.
RTIની તસવીર
અનેક સવાલ પેદા થયા
આરટીઆઇ કરનારા અને વકિલ સૈયદ અતીકે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, SRFDCL દ્વારા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના રોડ, રસ્તા, ફૂટપાથને વધુ સુશોભન કરવા માટે સ્ટેન્ડ સાથે ફ્લાવર બાસ્કેટ લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવ્યા છે. SRFDCL દ્વારા આપવામાં આવેલા માહિતી મુજબ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના રોડ રસ્તા, ફૂટપાથ પર અંદાજિત 195 સ્ટેન્ડ સાથે 390 બાસ્કેટ લગાવવામાં આવ્યા છે. આ માહિતી પરથી સાબિત થાય છે કે, SRFDCLના અધિકારીઓને જ ખબર નથી કે રિવરફ્રન્ટના બંને વિસ્તારોમાં કુલ કેટલા સ્ટેન્ડ સાથે બાસ્કેટ ફ્લાવર લગાવવામાં આવ્યા છે?, આ કામગીરી SRFDCLના તંત્રની કાર્ય પદ્ધતિ પર એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. શું અધિકરીઓએ કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપતા પહેલાં કામનો મેજરમેન્ટ કેમ ન લીધું? શું અધિકારીઓ મળતિયા કોન્ટ્રાક્ટરને ફાયદો કરવાના ઇરાદાથી જાણી જોઇ કામનું મેજરમેન્ટ ન લીધું? કુલ કેટલા ફ્લાવર સાથે બાસ્કેટ લાગશે તેનો અગાઉથી અંદાજ અધિકારીઓએ કેમ ન લીધો?
વધુ સૈયદ અતિકે જણાવ્યુ હતુ કે, આરટીઆઇ માહિતીમાં SRFDCL દ્વારા 1 સ્ટેન્ડ સાથે ફ્લાવર બાસ્કેટ લગાવવાનો ખર્ચ 1800 રૂપિયા + 18% જીએસટી સાથે = 2124 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. હાલમાં અંદાજિત સ્ટેન્ડ સાથે બાસ્કેટ 195 નંગ કોન્ટ્રાક્ટર દ્વારા રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રોડ-રસ્તા ફૂટપાથ પર લગાવેલા છે. 195 નંગ X 2124 રૂ. = 4,14,180 રૂપિયા ખર્ચ થાય છે. જે કામગીરી SRFDCLના ઉચ્ચ અધિકારીઓના મળતિયા કોન્ટ્રાક્ટર મે. એચ. કે. પંચાલ એન્જિનિયરિંગ વર્ક્સને ક્વોટેશન મારફતે આપવામાં આવી છે. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે, નિયમ મુજબ જો ઈજનેર વિભાગમાં ક્વોટેશનથી કામગીરી કરવા માટે ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનરની સત્તા મર્યાદા 1,25,000 રૂપિયા સુધીની છે. તેમ છતાં તેમની ઉપરવટ જઈને કયા કારણોસર સ્ટેન્ડ સાથે બાસ્કેટની કામગીરી ઓફર કે ટેન્ડરના માધ્યમથી કોન્ટ્રાક્ટર દ્વારા કેમ ન કરતાં ક્વોટેશન માધ્યમથી કરાવવામાં આવી?’
વધુ રકમ ચૂકવી તેનો જવાબદાર કોણ?
તેઓ કહે છે કે, ‘જો કોન્ટ્રાક્ટરને 4 લાખથી વધુ રકમ ચૂકવવાની થાય છે. તે જાણવા છતાં કોન્ટ્રાક્ટરને કેમ ક્વોટેશનથી કામ આપવામાં આવ્યું? શું SRFDCLના ઉચ્ચ અધિકરીઓ મળતિયા કોન્ટ્રાક્ટરને આર્થિક રીતે લાભ મળે તે માટે મદદરૂપ થયા? ક્વોટેશન દ્વારા કામ આપવાથી SRFDCLને કોન્ટ્રાક્ટરને ટેન્ડર અને ઓફરમાં મળતા ભાવથી વધુ રકમ ચૂકવવી પડી એનો જવાબદાર કોણ? ક્વોટેશન દ્વારા કામગીરી કરાવતા SRFDCLને આર્થિક નુકશાન થયું એનો જવાબદાર કોણ?’