અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં એક મહિલાને તેના બહેનના દામત્ય જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓને લઇને ગ્રહ શાંતિ માટે પૂજાપાઠ કરવા જતાં મુશ્કેલીમાં વધારો થયો હોવાની ઘટના સામે આવી છે. મહિલાએ ઇન્ટાગ્રામ પર પૂજાપાઠ કરવા માટે તપાસ કરતાં એક ગઠિયાનો સંપર્ક થયો હતો. જેણે મહિલા પાસે ઓનલાઇન રૂપિયા મંગાવી એક પછી એક બહાને 42 હજાર રૂપિયા પડાવી લીધા હતા.
ઘરમાં શાંતિ થવાના બદલે મુશ્કેલીઓમાં વધારો થયો
ઇસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલાની બહેનના દામ્પત્ય જીવનમાં તકલીફો પડતી હોવાથી ગ્રહ શાંતિ માટે પૂજાપાઠ કરવાના હતા. જોકે, ગ્રહ શાંતિ કરવા માટે પૂજાપાઠ કરવા જતાં તેમના ઘરમાં શાંતિ થવાના બદલે મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેના માટે તેણે ઓનલાઇન ઇન્સ્ટાગ્રામ પર આ બાબતે તપાસ કરતાં એક આઇડી મળ્યું હતું. જેની સાથે પૂજાપાઠ બાબતે વાતચીત કરતાં એક મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો. જે નંબર પર ફરિયાદીના બહેને વાચતીત કરતાં આ શખ્સે ગ્રહ શાંતિ માટે પૂજાપાઠ કરવા માટે વાત કરી હતી.
આ શખ્સે પૂજા કરવા માટે ખર્ચ પેટે રૂપિયા 4970 માંગ્યા હતાં. જે રૂપિયા પેટીએમ મારફતે મોકલવાનું કહેતા ફરિયાદીના બહેને તેમને વાત કરતાં ફરિયાદીએ 17મી મેના દીવસે પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં આ શખ્સે આગળની વિધિ માટે રૂપિયા માંગતા ફરિયાદીએ બીજા રૂપિયા 13,970 અને 18,970 એમ કુલ 42,880 ટ્રાન્સફર કર્યા હતાં. ત્યાર બાદ પણ તેમના બહેનને બીજા રૂપિયા 28,970 ટ્રાન્સફર કરવાનું કહેતા ફરિયાદીને શંકા જતાં તેમણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.