Home /News /ahmedabad /Ahmedabad School Student Found: અમદાવાદની સ્કૂલમાંથી ગુમ થઈને સ્ટેશન પરથી મળેલા વિદ્યાર્થીના ચોંકાવનારા ખુલાસા
Ahmedabad School Student Found: અમદાવાદની સ્કૂલમાંથી ગુમ થઈને સ્ટેશન પરથી મળેલા વિદ્યાર્થીના ચોંકાવનારા ખુલાસા
ગુમ થઈને મળેલા વિદ્યાર્થીએ કર્યા ખુલાસા
School Student Found: અમદાવાદના ઠક્કરબાપાનગરની સ્કૂલમાંથી ગુમ થયેલો વિદ્યાર્થી મળી ગયો છે. પરંતુ તેણે કોની સાથે ચાલ્યો ગયો હતો અને તેની સાથે શું થયું હતું તે અંગે ચોકાવનારો ખુલાસો કર્યો છે.
સંજય ટાંક, અમદાવાદઃ અમદાવાદ શહેરના ઠક્કરબાપાનગરની રઘુવીર સ્કૂલમાંથી ગુમ થયેલો વિદ્યાર્થી મળી ગયો છે. વિદ્યાર્થી કાલુપુર રેલવે સ્ટેશન પરથી શનિવારે મોડી રાત્રે મળી આવ્યો હતો. વિદ્યાર્થી મળી જતા તેના માતા-પિતા તથા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો છે. વિદ્યાર્થીએ આ મામલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિદ્યાર્થીએ જણાવ્યું કે તેને કોઈએ સ્કૂલમાં બેઠો હતો ત્યારે ઈશારો કર્યો હતો અને પછી તેની સાથે શું થયું તે તેને કંઈજ ખ્યાલ નથી. હવે પોલીસ આ કેસમાં બનાવના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરશે.
ગુમ થયેલા વિદ્યાર્થીએ શું કહ્યું?
ગુમ થયેલા અને પછી કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવેલા વિદ્યાર્થીએ કહ્યું કે, હું સ્કૂલના સ્ટીલના બાકડા પર બેઠો હતો, કોઈએ મને ઈશારો કર્યો, મે તેમને પહેલીવાર જોયા હતા, મને લાગ્યું કે તેમને કામ હશે એટલે હું તેમની પાછળ ગયો. એમણે મને બસમાં બેસાડ્યો, પછી સ્ટેશન હતું ત્યાં કેસરી ધોતીવાળા કોઈ દાદા હતા તેમણે મારા માથામાં હાથ ફેરવ્યો પછી શું થયું તે મને ખબર જ નથી. પછી મારા ભાઈ મને ઘરે લઈ આવ્યા.
વિદ્યાર્થીએ જણાવ્યું કે, "બે દિવસ શું થયું તે મને ખબર જ નથી, હું ક્યા સૂઈ ગયો હતો તે પણ મને ખબર નથી."
આ વિદ્યાર્થી 20 તારીખે સ્કૂલમાંથી ગુમ થયા બાદ 21મીની મધ્યરાત્રીએ કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો છે. જે વિડીયો સામે આવ્યા છે તેમાં વિદ્યાર્થી ગંભીર હાલતમાં જોવા મળી રહ્યો છે. પોતાનો દીકરો હેમખેમ મળી જતા તેના માતા-પિતાએ ખુશી વ્યક્ત કરી છે.
માતા-પિતાએ પોલીસ અને મીડિયાનો આભાર માન્યો
વિદ્યાર્થી ગુમ થયો તે દિવસના અસાઈનમેન્ટના મુદ્દે તેને પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું, સ્કૂલમાં એ દિવસે શું થયું હતું તે મને બરાબર યાદ નથી, મને બહાર બેસાડ્યો હતો અને પપ્પા આવવાના હતા એટલું જ ખબર છે.
આ અંગે ગુમ થઈને પરત મળેલા વિદ્યાર્થીના માતાએ કહ્યું કે, "મારો દીકરો સહીસલામત પરત મળ્યો છે, હું પોલીસ અને મીડિયાનો આભાર માનું છું. મને દીકરાએ જણાવ્યું કે ધોતીવાળા દાદાએ માથે હાથ ફેરવ્યો પછી શું થયું તે વિશે મને કશું જ ખબર નથી." વિદ્યાર્થીના પિતાએ દીકરો મળી જવાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, "શનિવારે રાત્રે 12થી 12:30 સમય દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોમ પરથી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જ્યારે દીકરો મળ્યો ત્યારે તેની હાલત એટલી ગંભીર હતી કે તે ચાલી કે બોલી શકતો નહોતો. પછી અમે એને ઘરે લઈ આવ્યા છીએ." પોતાનો દીકરો ગુમ થયો તે મામલે પિતા સ્કૂલને જવાબદાર ઠેરવી રહ્યા છે.