Ahmedabad Railway Station Chain Snatching: વૃદ્ધ પરિવાર સાથે મુંબઈથી ભુજ જતા હતા ત્યારે ટ્રેન અમદાવાદ રોકાઈ હતી, આ દરમિયાન વૃદ્ધના ગળામાંથી એક શખ્સ ટ્રેનની બારી પર લટકીને ચેઈન તોડીને ફરાર થઈ ગયો હતો. વૃદ્ધે ભુજ જઇને આ મામલે ફરિયાદ નોંધાવી છે. સઘન સુરક્ષા છતાં સ્ટેશન પર બનતી ચોરી-લૂંટની ઘટનાથી મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.
અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન જાણે ગુનેગારોનો અડ્ડો બની રહ્યો હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. કારણ કે અહીં છાસવારે મુસાફરોના કિંમતી સામાનની ચોરી અથવા તો લૂંટની ઘટના બની રહી છે. રેલવે સ્ટેશન પર ગુનાખોરી ડામવા માટે સ્પેશિયલ ઈન્વસ્ટીગેશન ટીમની રચના કરાઈ છે તેમ છતાં ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર ના હોય તેવું છતું થઈ રહ્યું છે.
આરોપીઓ રેલવે સ્ટેશન પર પોતાના ઈરાદા પાર પાડી રહ્યા છે. રેલવે સ્ટેશનથી યાર્ડ તરફ જ્યારે ટ્રેન ધીમી પડી ત્યારે બારી પાસે બેઠેલી એક વૃદ્ધના ગળામાંથી ચેઈન સ્નેચિંગ થયાની ઘટના બની છે. થોડા દિવસ પહેલા રેલવેના દરવાજા પાસે બેઠેલા મહેસાણાના યુવકના હાથમાંથી મોબાઈલ ફોનની લૂંટ ચલાવાઈ હતી. મુંબઈના માંટુગામાં રહેતા 72 વર્ષિય રમણીકલાલ વોરા 14મી ફેબ્રુઆરીએ પરિવાર સાથે દાદરથી ભુજ જઈ રહ્યા હતા.
વૃદ્ધની ઊંઘ ઉડી તો ડઘાઈ ગયા
મોડીરાતે ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોચી હતી જ્યા રમણીકલાલ વોરાનો પરિવાર સૂઈ ગયો હતો, જ્યારે વૃદ્ધ બારી પાસે સૂતા હતા. ટ્રેન અમદાવાદથી ભુજ તરફ જવા માટે રવાના થઈ ત્યારે રમણીકલાલના ગળામાંથી ચેઈન સ્નેચિંગ થયુ હતું. રમણીકલાલને ગળામાં દુખાતા કઈ અજુગતુ લાગ્યુ હતું જેથી તેમણે ઉઠીને જોયુ તો એક ગઠીયો બારી પાસે લટકી રહ્યો હતો અને ગળામાંથી ચેઈન ગાયબ હતી. રમણીલાલે સમગ્ર ઘટનાની જાણ ચેઈન પુલીંગના માણસોને કરી હતી જેથી તેમણે ભુજ જઈને ફરિયાદ નોંધાવવાનુ કહ્યુ હતું.
રમણીકલાલ અને તેમનો પરિવાર ભુજ પહોચ્યા ત્યારે તેમણે ગઠીયા વિરૂદ્ધ ચેઈન સ્નેચિંગની ફરિયાદ કરી છે. રેલવે પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છેકે રેલવે સ્ટેશન હાઈસિક્યોરીટી ઝોન ગણવામાં આવે છે જ્યા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ કર્મચારી, હાઈ ડેફીનેશનના સીસીટીવી કેમેરા હોવા છતાંય ચોરી, લૂંટની ઘટનાઓ બની રહી છે.