Home /News /ahmedabad /ચોકલેટે એવો ચસ્કો લગાવ્યો કે સગીર ચોરી કરવા લાગ્યો, પોલીસે 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ચોકલેટે એવો ચસ્કો લગાવ્યો કે સગીર ચોરી કરવા લાગ્યો, પોલીસે 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમદાવાદ રેલવે સ્ટેશન - ફાઇલ તસવીર
રેલવે સ્ટેશન પર અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી હોય છે. તો ઘણીવાર ચાલુ ટ્રેનમાંથી જ મોબાઈલની ચીલઝડપ કરવામાં આવતી હોય છે. અમદાવાદ રેલવે પોલીસે એવા જ એક સગીર આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદઃ રેલવે સ્ટેશન પર અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી હોય છે. તો ઘણીવાર ચાલુ ટ્રેનમાંથી જ મોબાઈલની ચીલઝડપ કરવામાં આવતી હોય છે. અમદાવાદ રેલવે પોલીસે એવા જ એક સગીર આરોપીની ધરપકડ કરી છે. આ સગીર ટ્રેન ધીમી પડતાં જ મુસાફરોના પર્સ-મોબાઈલની ચીલઝડપ કરતો હતો. જો કે, તેની પૂછપરછ કરતા ચોરી કરવાનું ચોંકવનારું કારણ સામે આવ્યું છે.
અમદાવાદ રેલવે પોલીસે ચોરીના કેસમાં સગીર સહિત એક મહિલાની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 8 મોબાઈલ, 1 લેપટોપ અને સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સગીર આરોપી છેલ્લા ઘણાં સમયથી મોંઘી ચીજવસ્તુઓની ચીલ ઝડપ કરતો હતો. ઘણીવાર ચાલુ ટ્રેને દાગીના-મોબાઇલ જેવી વસ્તુઓ ઝૂંટવી લેતો હતો. ત્યારબાદ મોંઘીદાટ વસ્તુ વેચવા મહિલાને આપી દેતો હતો. તેના બદલામાં મહિલા આરોપી સગીરની સારસંભાળ રાખતી હતી અને જરૂર પ્રમાણે રૂપિયા આપતી હતી.
આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, સગીર આરોપી છેલ્લા ઘણાં સમયથી માતા-પિતાથી દૂર રહેતો હતો અને તેને ચોકલેટ ખાવાની ટેવ હતી. તેથી જ્યારે તેની પાસે રૂપિયા ખૂટી જતા ત્યારે રેલવે સ્ટેશન પર જઈ મોંઘી ચીજવસ્તુઓની ચોરી કરતો અને તેના બદલામાં જે રૂપિયા મળે તેની ચોકલેટ ખરીદીને ખાતો હતો. આરોપીને ચોકલેટ એટલી હદે ભાવતી હતી કે તે ચીલઝડપ કરવા જતી વેળાએ પણ વિવિધ ચોકલેટ લઈને જતો.
અગાઉ પણ પકડાઈ ચૂક્યો હતો
હાલ પોલીસે બંને આરોપી પાસેથી 8.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત સગીર આરોપી સામે આણંદ રેલવે પોલીસ તેમજ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને તે ઝડપાયો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસને પૂછપરછમાં વધુ ગુના ઉકેલાય તેવી આશંકા છે.