અમદાવાદ: શહેરના ખૂબ જ જાણીતા પોપ્યુલર બિલ્ડર (Popular builders)ની પુત્રવધૂ ફિઝુ પટેલે (Fizu Patel) વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન (Vastrapur police station)માં ખુદ તેના પિતા મુકેશ પટેલ (Mukesh Patel) વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદીનો આરોપ છે કે તેના પિતા તેને મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકી (Threat) આપે છે. ફરિયાદી મહિલાએ અગાઉ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં તેના પિતાએ આગોતરા જામીન મેળવ્યા હતા. બાદમાં તેના પતિ મૌનાંગ (Monang Patel)ને પણ 15મી જાન્યુઆરીના રોજ જામીન મળ્યા હતા. જોકે, બંને વ્યક્તિઓ ફરિયાદી અને તેની માતા પર દાઝ રાખતા હોવાથી તેમની સાથે ઝઘડો કરીને જાનહાની કરે તેવા ડરથી હાલ ફરિયાદીએ ઉચ્ચ પોલીસ અધિકારીને રજુઆત કરીને બંદોબસ્ત મેળવ્યો છે.
ફરિયાદીના ઘરે બંદોબસ્ત હોવાથી તેના પિતા ઘરે આવી શકે તેમ ન હોવાથી તેમણે મોબાઈલ પર મેસેજ મોકલીને ધમકી આપી હતી. જેમાં લખ્યું હતું કે "I am going to kill Tomo I". જે અંગે ફરિયાદીએ ઉચ્ચ પોલીસ અધિકારીને લેખીતમાં રજુઆત કર્યા બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે ફરિયાદી ફિઝુને લગ્ન બાદ તેના પતિ મૌનાંગ પટેલ, સસરા રમણ પટેલ અને સાસુ અવારનવાર પરેશાન કરતા હતા. આ માટે તેના પિતા તેઓને ઉશ્કેરતા હોવાથી આ અંગે તેણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદીના પિતા અને તેની માતાએ વર્ષો પહેલા છૂટાછેડા લીધા છે. ફરિયાદ તેની માતા સાથે રહે છે.
શું છે કેસ?
ગત વર્ષે પોપ્યુલર બિલ્ડર્સના માલિક રમણ પટેલ, પતિ મોનાંગ પટેલ, સાસુ મયુરિકા પટેલ અને મુકેશ પટેલ (ફરિયાદીના પિતા) વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાનો આરોપ છે કે ગત વર્ષે ઓગષ્ટમાં તેની પુત્રીનો જન્મ દિવસ હોવાથી તેની ઉજવણી રાખવામા આવી હતી. ઉજવણી પૂરી થયા બાદ પરિણીતાના પતિ, સાસુ સસરા, અને માતા-પિતા સાથે બેઠા હતા. આ દરમિયાન તેના સાસુ સસરા પરિણીતા અને તેની માતાને મ્હેંણા ટોંણા મારવા લાગ્યા હતા કે, 'તું તારા પિયરમાંથી કંઈ લાવી નથી, અમારા રૂપિયા જોઈને તે મારા દીકરા સાથે લગ્ન કર્યાં છે. તમે બંને મા-દીકરી લૂટરીઓ છો.'
આવું કહીને પરિણીતાના સસરાએ તેણીને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકવા માટે તેના પતિને ઉશ્કેર્યો હતો. ત્યારબાદ પરિણીતાના પતિએ તેને માર મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. આ દરમિયાન પરિણીતાના પિતા પણ તેના સાસરિયાને સહકાર આપીને 'બંને મા-દીકરીઓને માર મારો જેથી બંને સીધી થઈ' જાય તેમ કહ્યું હતું. ફરિયાદીનો આરોપ હતો કે પહેલા પણ તેના સસરા દારૂ પીધેલી હાલતમાં આવીને તેનો હાથ પકડી સ્પર્શ કરતા હતા.