અમદાવાદ: શહેરમાં કોરોનાના કપરા કાળ દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવતા સમયે અનેક લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી જતા હતા. જોકે, હજી પણ પોલીસ સાથેના ઘર્ષણ બનાવો બંધ થવાનું નામ ના લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના દાણીલીમડામાં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે.
ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ ગઇકાલે દાણીલીમડા ચાર રસ્તા પાસે તેમની ફરજ પર હતા. ત્યારે મોડી સાંજે દાણીલીમડા તરફથી એક બુલેટ મોટર સાઈકલ ચાલક આવતા ફરિયાદીએ હાજર સ્ટાફને તેને રોકવા માટે ઈશારો કર્યો હતો. આ બુલેટ ચાલકને રોકી તેની પાસે બુલેટના જરૂરી ડોક્યુમેન્ટ માંગતા તેણે ડોક્યુમેન્ટ ઘરે હોવાનું કહ્યું હતું. જેથી પોલીસે આ ડોક્યુમેન્ટ મોબાઈલમાં મંગાવી લેવા માટે જાણ કરી હતી.
જોકે, લાંબા સમય સુધી બુલેટ ચાલકે ડોક્યુમેન્ટ નહિ મંગાવતા પોલીસે તેને આ બાબતે પૂછતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને નીચે ઉતરી પોલીસ કર્મીના શર્ટના બટન તોડી નાંખીને એક લાફો મારી દીધો હતો અને બૂમાબૂમ કરી આસપાસમા લોકોને એકઠા કર્યા હતા.
બાદમાં આરોપીએ પોલીસને ધમકી આપી કે, તમે પબ્લિકને ખોટી રીતે હેરાન કરો છો, તમને કોઈ ડોક્યુમેન્ટ ચેક કરવાનો હક નથી. હું તમારા વિરુદ્ધ તમારા ઉપરી અધિકારી ને ફરિયાદ કરીને તમારા બધાના પટ્ટા ઉતરાવી દઈશ. જોકે, પોલીસે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેનું નામ યાસીન પઠાણ જે દાણીલીમડાનો રહેવાસી છે. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.