ચાલુ ટ્રેનમાં દારૂ પીને ધમાલ મચાવવાના કિસ્સા વધી રહ્યા છે.
Ahmedabad Police: દારૂ પીને ટ્રેનમાં ધમાલ મચાવતા ત્રણ અમદાવાદના યુવકો વાપીમાં ઝડપાયાઃ સુરેન્દ્રનગરથી આવતી ટ્રેનમાં પણ બે યુવકોએ દારૂ પીને બબાલ કરી હતી.
અમદાવાદ: ટ્રેનમાં ચોરી, લૂંટ તેમજ મારમારીના અનેક બનાવો બની રહ્યા છે જેને રોકવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે. તો બીજી તરફ દારૂ તેમજ ગાંજાની હેરફેર પર ટ્રેનમાં વધી રહી છે. ગુનાખોરીને કંટ્રોલમાં કરવા માટે પોલીસ એક્શન મોડ પર છે. ત્યારે હવે દારૂડીયાઓને પણ કંટ્રોલ કરવા માટે પોલીસ મેદાનમાં ઉતરી છે. ટ્રેનમાં દારૂ પીને ધમાલ મચાવશો તો પોલીસ સીધી લોકઅપમાં પુરીને કાર્યવાહી કરશે. ચાલુ ટ્રેનમાં પોલીસ પેટ્રોલીગ કરીને દારૂડીયાઓને પકડી પાડશે.
ચાલુ ટ્રેનમાં દારૂ પીને ધમાલ મચાવવાના કિસ્સા વધી રહ્યા છે. જેને જોતા રેલવે પોલીસ હરકતમાં આવી છે. ગઇકાલે મુંબઇ-હાપા એસી દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદના ત્રણ યુવકો દારૂ પીને ધમાલ મચાતા રંગે હાથ ઝડપાયા છે. ત્રણેય યુવકોએ દારૂ પીને એટલી હદે ધમાલ મચાવી હતી કે, જેના કારણે બીજા મુસાફરો પણ હેરાન થયા હતા. આ ટ્રેન વાપી ખાતે સ્ટોપેજ ન હોવા છતાંય ચેઇન પુલીંગ કરીને રોકી દેવાઇ હતી. વાપી સ્ટેશન માસ્ટર દ્રારા પણ આ અંગે દારૂડીયા યુવકોને મેમો આપતા વાપી પોલીસ હરકતમાં આવી ગઇ હતી.
ટ્રેન વાપી રેલવે સ્ટેશન ખાતે ઉભી રહેતા પોલીસે ત્રણેય લોકોની ધરપકડ કરી લીધી હતી. ત્રણેય દારૂડીયા અમદાવાદના રહેવાસી છે જેમાં એકનું નામ ભરત છે જ્યારે બીજાનું નામ પ્રકાશ અને ત્રીજાનું નામ વિજય છે. ત્રણેય જણા દારૂ ઢીંચીને મુંબઇ જઇ રહ્યા હતા. જ્યાં તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણેય વિરૂદ્ધ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સિવાય સુરેન્દ્ર રેલવે પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાને પણ કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં બે દારૂડીયા વિરૂદ્ધ ફરિયાદ કરી છે.
ગઇકાલે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધીની ટ્રેનમાં પોલીસ જવાન તેમની ટીમ સાથે પેટ્રોલીગમાં હતા. ત્યારે બે યુવકો ચાલુ ટ્રેનમાં દારૂ પીને ધમાલ મચાવતા હતા. સાણંદથી અમદાવાદના રુટ પર પ્રદિપ (રહે મહારાષ્ટ્ર) અને સુરજ (રહે ઉત્તરપ્રદેશ) મુસાફરો સાથે માથાકુટ કરતા હતા. પોલીસ કર્મચારીઓએ બન્ને પાસે ગયા તો તેમને ઉભા રહેવાના પણ હોશ હતા નહી અને મોઢા માંથી દારૂ પીધુ હોવાની દુગંધ મારતી હતી. રેલવે પોલીસે બન્ને યુવકો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.