અમદાવાદ: મહેસાણાના કડીમાં રહેતા વૃદ્ધ સાથે નવા વાડજમાં રહેતા સગા સાઢુએ મિત્ર સાથે મળી છેતરપિંડી (Cheating) કરી છે. આ અંગેની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશન (Vadaj Police Station)માં નોંધાઇ છે. વૃદ્ધે પુત્ર અને પુત્રવધૂને અમેરિકા (US) ફરવા જવા માટે વિઝા કરાવી આપવા સાઢુ અને તેના મિત્રને 10 લાખ આપ્યા હતા. પૈસા આપી લખાણ બાદ પણ વિઝા ન મળતાં પૈસા પરત માગ્યા હતા. જેથી સાઢુએ ઘરે આવશો તો હાથ-પગ તોડી નાખીશ તેવી ધમકી આપી હતી.
કડીની મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા 60 વર્ષીય બાબુલાલ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. બાબુલાલના સગા સાઢુ મનીષ ભટ્ટ નવા વાડજ શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહે છે. વર્ષ 2017માં બાબુલાલના પુત્ર અને પુત્રવધૂને અમેરિકા ફરવા જવાનું હતું. જેથી તેમના સાઢુને વાત કરતા કહ્યું હતું કે, મુંબઈમાં રહેતા તેમના મિત્ર વિજય ખાંડે કામ કરી દેશે. મુંબઈથી વિજય અમદાવાદ મનીષના ઘરે આવ્યો હતો. જેથી બાબુલાલને તેમના પુત્ર અને પુત્રવધૂના ડોક્યુમેન્ટ તેમજ રૂ. 10 લાખ લેતા આવજો કહ્યું હતું. તેઓએ ત્રણ લાખ રોકડા અને બાકીના પૈસાના બે ચેક લઈને મનીષના ઘરે આપ્યા હતા.
વિજયે પૈસા આપ્યાના 40 દિવસમાં અમેરિકાના વિઝા આપવાની વાત કરી હતી. જો વિશ્વાસ ન હોય તો 100 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણની વાત કરી હતી. મનીષે વિજય પર વિશ્વાસ મૂકવાની વાત કરી હતી. 100 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરી અને પૈસા આપી દીધા હતા. સાંજે ઘરે ગયા બાદ બાબુલાલને શંકા જતા મનીષને ફોન કરી બેંકમાં સ્ટોપ પેમેન્ટ કરવાની વાત કરી હતી, પરંતુ મનીષે વિશ્વાસ કરો, કામ ન થાય તો હું પૈસા આપી દઈશ એવું કહીને વિશ્વાસ અપાવ્યો હતો.
આ પણ જુઓ-
" isDesktop="true" id="1061332" >
15 દિવસ બાદ વિજયને ફોન કરતા તેનો ફોન બંધ હતો. જેથી મનીષને ફોન કરતા તેઓએ કહ્યું હતું કે નોટરાઈઝ કાગળ મારા પાસે છે, ગમે ત્યારે આવીને લઈ જજો. જ્યારે જ્યારે બાબુલાલ કાગળ લેવા જાય ત્યારે મનીષ ઘરે મળતો ન હતો. તીજોરીમાં કાગળ મૂક્યાં છે તેવું કહી એક વર્ષ સુધી કાગળ અને પૈસા આપવાનું કહેવા છતાં સરખો જવાબ આપ્યો ન હતો. એક મહિના પહેલા બાબુલાલ જ્યારે મનીષના ઘરે ગયા ત્યારે મારા ઘરે આવવું નહીં, નહીં તો હાથપગ તોડી નાખીશ તેવી ધમકી આપી હતી. સાઢુએ તેના મિત્ર સાથે મળી 10 લાખની છેતરપિંડી કરતા વાડજ પોલીસ સ્ટેશનમાં આ અંગે બાબુલાલે ફરિયાદ નોંધાવી છે.