અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી પરિણીતાએ શારીરિક અને માનસિક ત્રાસ આપવા મામલે સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દીકરીના જન્મ બાદ સાસરિયાઓ ત્રાસ આપતા હતા. ત્યારે આખરે કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી પ્રમાણે, નિકોલ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્ન બાદ તે તેના સાસરીમાં સંયુક્ત પરિવાર સાથે રહેતી હતી. જ્યાં તેને સારી રીતે રાખવામાં આવી હતી. જો કે સંતાનમાં દીકરીનો જન્મ થયા બાદ તેના સાસુ-સસરા કહેવા લાગ્યા હતાં કે, ‘તારે દીકરી છે એટલે તને જે કહીએ તેમ કરવાનું, જે આપીએ તે જમવાનું અને તારા બાપાએ કરીયાવરમાં કંઇ આપ્યું નથી, તું તારા બાપાના ઘરેથી દર મહિને દશ હજાર રૂપિયા લઈ આવ નહીં તો તને અહીંયા રહેવા દઇશું નહીં.’ તેમ કહીને અવાર નવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતાં.
જો કે, પરિણીતાને ઘર સંસાર ચલાવવો હોવાથી તેણે આ બાબતની જાણ કોઈને કરી નહોતી. બાદમાં પરિણીતાએ તેના માતા-પિતાને વાત કરતા તેમણે કહ્યુ હતુ કે, ‘તારી ઉંમર બહું નાની છે, આપણે જે કહે તે સાંભળવાનું’ તેમ કહીને તેને સાસરીમાં પરત મોકલી આપતા હતા. જ્યારે તેનો પતિ તેના સાસુ-સસરાની ચઢામણીથી મારઝૂડ પણ કરતો હતો. જ્યારે તેના જેઠ-જેઠાણી અવાર-નવાર કહેતા હતા કે તારે અમે જેમ કહીએ તેમ જ કરવાનું. આ ઉપરાંત તેના સાસુ ઘરકામ બાબતે બોલાચાલી ઝઘડો કરીને અવારનવાર હેરાન પરેશાન કરતા હતા. જ્યારે તેના ઘરેણાં પણ લઈ લીધા હતાં. પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.