અમદાવાદ: શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ તેના સાસરિયાઓએ તેને ઘરકામ બાબતે ત્રાસ આપતા હતા. એટલું જ નહીં આ પરિણીતા જ્યારે સગર્ભા હતી જ્યારે સાસરિયાઓએ તેની દેખરેખ રાખી ન હતી અને પુત્રને જન્મ આપ્યા બાદ પરિણીતાએ તેના પતિ અને જેઠાણીને એક પલંગ ઉપર કઢંગી હાલતમાં ઝડપી પાડયા હતા. આ પરિણીતાનો જેઠ બહારગામ નોકરી કરતો હોવાથી ચાર દિવસે ઘરે આવતો હતો તે દરમિયાન બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. સમગ્ર બાબતને લઈને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના વટવા વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2017માં ખેડા ખાતે થયા હતા. ત્યારબાદ તે તેના પિયરમાંથી આપેલા દાગીના કપડા અને ભેટ લઇને તેના સાસરે રહેવા ગઈ હતી. લગ્નના ત્રણેક મહિના બાદ આ પરિણીતાની સાસુ જેઠ જેઠાણી ઘરકામ બાબતે ઝઘડો તકરાર કરતા હતા. ઘરનું કામ ન આવડતું હોવાનું કહી ભૂલો કાઢી આ પરિણીતાને તેના સાસરિયાઓ ત્રાસ આપતા હતા અને નોકરાણીની જેમ આખો દિવસ કામ કરાવતા હતા. આ પરિણીતા તેના સાસરિયાઓએ તેને પૂરતું ખાવાનું પણ આપતા નહીં અને પરિણીતાની જેઠાણી અને જેઠ તેના પતિને ખોટી ચઢામણ કરી બંને વચ્ચે ઝઘડો કરાવી માર મરાવતા હતા.
ફરિયાદ અનુસાર, આ પરિણીતાને ગર્ભ રહ્યો હતો ત્યારે સગર્ભા અવસ્થામાં પણ તેના સાસરિયાઓએ તેને કોઈ જાતની દેખરેખ રાખી ન હતી. ત્યારબાદ આ પરિણીતાએ એક પુત્ર ને જન્મ આપ્યો હતો અને બાદમાં તે ફરીથી તેના સાસરે રહેવા ગઇ હતી. આ પરિણીતાનો જેઠ અમદાવાદમાં કોઈ કંપનીમાં નોકરી કરતો હોવાથી ચાર દિવસ સુધી ઘરે આવતો નહીં અને તે દરમિયાન પરિણીતાનો પતિ અને જેઠાણી બંને વચ્ચે આડા સંબંધો બંધાયા હતા. એક દિવસ આ પરિણીતાએ રાત્રે તેના પતિને અને જેઠાણી ને કઢંગી હાલતમાં જોયા હતા અને તે વખતે તેણે તેના પતિને શું કરો છો એવું પૂછતા ઝઘડો કર્યો હતો અને બાદમાં માર પણ માર્યો હતો. થોડા દિવસ બાદ આ પરિણીતાના સાસરીયાઓએ તેના પિયરમાંથી દહેજ લાવવાની માગણી કરી હતી અને તેના પતિએ આઇસર ગાડી લેવા પિયર માંથી પાંચ લાખ રૂપિયા લઇ આવવા માટે કહ્યું હતું. જ્યારે પરિણીતાને પતિ માર મારતો ત્યારે તે તેના પિતાને ફોન કરી વાત કરતી હતી. જે વાત તેનો પતિ સાંભળી જતા ફોન છીનવી લઇ ને માર માર્યો હતો.
સમગ્ર બાબતોથી કંટાળીને પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ પરિણીતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ તેને ધમકી આપતો હતો કે તે તેને તલાક આપી ને બીજા લગ્ન કરી લેશે અને પરિણીતાના સાસરીયાઓએ તેના પિયરજનો ને ધમકી આપી હતી કે તેને પાછી સાસરે મોકલશો તો અમે તેને જાનથી મારી નાખીશું. સમગ્ર બાબતોને લઇને મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.