અમદાવાદઃ શહેરમાં રહેતી એક મહિલાને છેલ્લા ઘણા સમયથી તેમની પડોશમાં રહેતા માતા પુત્રનો ત્રાસ વર્તાતો હતો. આરોપીઓ મહિલાને ઘર ખાલી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપતા હતા. આટલું જ નહીં, ગઇકાલે પણ ઘર ખાલી કરી નાખો નહીં તો પરિવારના સભ્યોને મારી નાખીશ, તેવી ધમકી આપી હતી. આરોપી યુવકે તો મહિલાને શારીરિક સંબંધ બાંધ નહીં તો પરિણામ સારૂં નહીં આવે, તેમ કહી છેડતી પણ કરી હતી. આખરે મહિલાએ કંટાળીને પોલીસ ફરિયાદ કરતા પોલીસે માતા પુત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
યુવક ન્હાવાનો રૂમાલ પહેરીને મહિલા સામે ગંદા ઇશારા કરતો
શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી 32 વર્ષીય મહિલા તેના પતિ તથા બે દીકરા સાથે રહે છે. ગઈકાલે આ મહિલા સવારે તેના ઘરે હાજર હતી ત્યારે પડોશમાં રહેતો એક યુવક અને તેની માતા બંને આ મહિલાના ઘર આગળ આવી તેને ગાળો બોલવા લાગ્યા હતા. બાદમાં આ યુવકે મહિલાને કહ્યું કે, અહીંથી મકાન ખાલી કરીને જતા રહેજો નહીંતર તારા ઘરના તમામ સભ્યોને જાનથી મારી નાખીશ. બાદમાં આ યુવકે મહિલાને તે તથા તારા પતિએ મારી સામે અગાઉ જે કેસ કર્યા છે, તે પરત ખેંચી લે અને મારી સાથે તું શારીરિક સંબંધ બાંધીશ નહીં તો આનું પરિણામ સારું નહીં, આવે તેવી ધમકી આપી હતી. જ્યારે મહિલાનો પતિ કામ ધંધે જાય ત્યારે આરોપી યુવક ન્હાવાનો રૂમાલ પહેરીને મહિલા સામે ગંદા ઇશારા અને હરકતો પણ કરતો હતો. મહિલાએ આરોપીને અવારનવાર આવો ન કરવાનું કહેતા તે ઉશ્કેરાઇ તેની સાથે ઝઘડો કરતો હતો.
ગઈકાલે પણ આરોપી યુવક અને તેની માતા બંનેએ મહિલાના ઘર પાસે જઈને ગાળો બોલી મકાન ખાલી કરી દેજો નહીં તો ઘરના તમામ સભ્યોને મારી નાખીશ, તેવી ધમકી આપી હતી. આટલું જ નહીં, અગાઉ જે કેસ કર્યા છે તે પરત ખેંચી લેજો તેમ કહી આરોપી યુવકે મહિલાને શારીરિક સંબંધ બાંધીશ નહીં તો આનું પરિણામ સારું નહીં આવે તેવી ધમકી આપી હતી. સમગ્ર બાબતને લઈને પાડોશીઓના આ ત્રાસથી કંટાળીને માતા અને પુત્ર સામે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.