Home /News /ahmedabad /હું સોસાયટીનો દાદા છું, મને ટેપનો અવાજ ઓછો કરવાનું કેમ કહ્યું : અમદાવાદમાં ત્રણ જગ્યાએ ખેલાયો ખૂની ખેલ

હું સોસાયટીનો દાદા છું, મને ટેપનો અવાજ ઓછો કરવાનું કેમ કહ્યું : અમદાવાદમાં ત્રણ જગ્યાએ ખેલાયો ખૂની ખેલ

નવરાત્રીમાં ખેલાયો ખૂની ખેલ

Ahmedabad Crime : કૃષ્ણનગર અને દાણીલીમડા પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઝઘડા પાછળ સામાન્ય બાબતો જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ : તહેવાર ટાણે શહેરમાં ક્યાંકને ક્યાંક નાની મોટી બાબતોમાં ખૂની ખેલ ખેલાઇ જતો હોય છે. હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે સામન્ય બાબતોમાં તલવાર તેમજ છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ગરબામાં ટેપ વગાડવાના મામલે, તેમજ ઉઘાર આપવા બાબતે પૂર્વ વિસ્તારમાં હિંસક ઘટનાઓ બની છે. પોલીસ અનેક વખત અટકચાળા કરતા અથવા હથિયાર લઇને ફરતા ગુનેગારોને ઝડપી પાડે છે તે છતાંય આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી.

તું ડોન થઇ ગયો છે, કહીને માથામાં છરીના ઘા મારી દીધા


કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા જયઅંબે નગરમાં રહેતા પ્રિયલ છત્રાલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ભગવાન પાટીલ વિરૂદ્ધ મારમારીની ફરિયાદ કરી છે. ભગવાન પાટીલ આ જ સોસાયટીમાં રહે છે અને છેલ્લા ઘણા સમયથી પ્રિયલ પર અદાવત રાખીને બેઠો હતો. પ્રિયલ તેના માતા પિતા અને ભાઇ સાથે રહે છે અને ફેક્ટરીમાં નોકરી કરે છે. ગઇકાલે પ્રિયલ ગરબા રમવા માટે જતો હતો ત્યારે સોસાયટીના ગેટ પાસે ભગવાન પાટીલ મળ્યો હતો અને ગાળો બોલીને કહેવા લાગ્યો કે, તું ડોન થઇ ગયો છે. પ્રિયલે ગાળો બોલવાની ના પાડતા ભગવાન પાટીલ એકદમ ઉશ્કેરાયો હતો અને પોતાની પાસે રહેલી છરી કાઢીને તેના ગળાની પાછળના ભાગે મારી દીધી હતી. પ્રિયલને લોહી નીકળતા તે ત્યાંથી જતો રહ્યો હતો અને 108 એમ્યુલન્સને ફોન કરી દીધો હતો. કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : અમદાવાદ: તું અભાગણી છું, તે જ દીકરીને મારી નાંખી છે, પતિ અને સાસરિયાઓ સામે પરિણીતાની ફરિયાદ

હું આ સોસાયટીનો દાદા છું, તે મને ટેપનો અવાજ ઓછો કરવાનું કેમ કહ્યું


નવા નરોડા વિસ્તારમાં ગઇકાલે પ્રહલાદ રેસીડન્સીના પુર્વ ચેરમેને એક્સ આર્મી મેન પર છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. પ્રહલાદ રેસીડન્સીમાં સતીષ પટેલ પરિવાર સાથે રહે છે અને તે આર્મીમાંથી નિવૃત થયા છે. હાલ તે ભાવનગર ખાતે સીક્યોરીટીમાં નોકરી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. નવરાત્રી હોવાથી સતીષભાઇ તેમના ઘરે આવ્યા હતા ત્યારે સોસાયટીના પૂર્વ ચેરમેન હિતેષ વ્યાસે તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. ગઇકાલે સતીષભાઇ પાસે હિતેષ વ્યાસ આવ્યા હતા અને કહેવા લાગ્યા હતાં કે, હું આ સોસાયટીનો દાદા છું, તુ મને ટેપનો અવાજ ઓછો કરવાનું કેમ કહેતો હતો. સતીષભાઇએ શાંતીથી વાત કરવાનું કહેતા હિતેષ વ્યાસ ઉશ્કેરાયો હતો અને મારામારી શરૂ કરી દીધી હતી. આજે તને જાનથી મારી નાખીશ તેમ કહીને છરી લઇને આવ્યો હતો અને સતીષભાઇના પેટમાં હુલાવી દીધી હતી. ઇજાગ્રસ્ત સતીષભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : અમદાવાદ : મિત્રને મોજ કરાવવા પોતાની જ મંગેતર સોંપી દીધી, મળવા બોલાવી હેવાને ગુજાર્યો બળાત્કાર

તુ મને ઉધાર કેમ નથી આપતો કહીને બે ભાઇઓએ દુકાનદાર પર તલવાર હુલાવી


શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એક દુકાનદારે આમીર અંસારીએ સલીમ હડ્ડી અને તેના ભાઇ સાજીદ હડ્ડી વિરૂદ્ધ મારમારીની ફરીયાદ કરી છે. આમીર અંસારી દાણીલીમડા વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવે છે. આમીર અંસારી પોતાની દુકાનમાં હાજર હતા ત્યારે બહેરામપુરામાં રહેતા સલીમ હડ્ડી અને સાજીદ હડ્ડી હાથમાં તલવાર લઇને આવ્યા હતા. બન્નેએ આમીર અંસારીને દુકાનમાં તોડફોડ કરતા કહ્યુ હતું કે, તું મને ઉઘાર કેમ નથી આપતો. આમીર અંસારી કઇ બોલે તે પહેલા બન્ને જણાએ તલવારનો ઘા ઝીંકી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, અવારનવાર બન્ને ભાઇઓ દુકાન પર આવતા હતા અને ઉઘાર માલસામાન લઇને જતા રહેતા હતા. પરંતુ આમીર અંસારીએ માલ આપવાનો ઇન્કાર કરી દેતા મામલો બીચક્યો હતો.
Published by:Bansari Gohel
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad ​​Crime

विज्ञापन
विज्ञापन