અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતી લગ્ન કર્યા બાદ સાસરે સુરત રહેવા ગઇ હતી. ત્યાં થોડા સમય બાદ તેણે એક દીકરીને જન્મ આપતા સાસરિયાઓએ અમારા માથે બોજ વધારી દીધો હોવાનું કહી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. સાસુ સસરાને યુવતી ફરિયાદ કરે તો તેઓ પણ યુવતીને ત્રાસ આપતા હતા. યુવતીને કોરોના થતા તેની સારવાર સાસરિયાઓએ કરાવી પણ બાદમાં તે ખર્ચના વળતર માટે દહેજ માંગી યુવતીને ત્રાસ આપ્યો હતો. જેથી કંટાળીને યુવતીએ આ અંગે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
'અમારી પાસે બહુ રૂપિયા છે, બીજા લગ્ન કરાવીશું'
શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીના વર્ષ 2016માં લગ્ન થયા હતા. લગ્ન બાદ તે તેના સુરત ખાતે સાસરે રહેવા ગઇ હતી. લગ્નના થોડા વર્ષ બાદ યુવતીએ દીકરીને જન્મ આપતા જ તેના સાસુ-સસરા અને પતિએ દીકરીને જન્મ આપી અમારા માથે વધુ એક બોજ વધારી દીધો, કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આરોપી પતિએ દીકરી પ્રત્યે ધૃણા રાખીને દારૂ પીવાનું શરૂ કર્યું અને પત્નીને માર મારવા લાગ્યો હતો. આ વાત યુવતીએ તેના સાસુ સસરાને કરતા તેઓએ પણ તારા પિતાના ઘરે જતી રહે અમારી પાસે બહુ રૂપિયા છે, બીજા લગ્ન કરાવીશું, કહીને ત્રાસ આપ્યો હતો. જ્યારે ઘરના બધા જમવા બેસે ત્યારે તેઓ આ યુવતી સાથે વિચિત્ર વ્યવહાર કરતા અને તેને અલગ જમવા બેસાડતા હતા. પતિ પણ સારો વ્યવહાર ન કરતો અને આ યુવતીથી અલગ સૂઇ જતો હતો અને દીકરીને પણ બોલાવતો નહીં.
આટલું જ નહીં, યુવતીને જ્યારે કોરોના થયો હતો ત્યારે તેની સારવાર તેના સાસરિયાઓ કરાવી હતી. સારવાર બાદ તેના સાસરિયાઓએ બહુ ખર્ચ થયો છે તારા પિતાના ઘરેથી દહેજ પેટે રૂપિયા લઇ આવ અથવા પિતાનું કોઇ મકાન છે તે લઇ લે, તેવું કહી ત્રાસ આપ્યો હતો. થોડા દિવસ પહેલા પણ યુવતીના પતિએ દારૂ પી આવી દીકરી અને પત્નીને ગાળો બોલવા લાગતા યુવતી સાસરેથી નીકળી પિયરમાં જતી રહી હતી. જેથી કંટાળીને યુવતીએ સાસરિયાઓ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.