અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad) બીઆરટીએસના (BRTS)મુસાફરોને બીઆરટીએસ સ્ટેશનથી તેમના નજીકના ગંતવ્ય સ્થાને જવા માટે ઘણી વાર તકલીફ પડતી હોય છે. લોકોની આ સમસ્યાને નિવારવા મનપાએ (Ahmedabad Municipal Corporation)પીપીપી ધોરણે 'સવારી' નામથી ઇ-રિક્ષા ની (e rickshaw)શરૂઆત કરી છે. જેમાં સમગ્ર રૂટમાં ફિક્સ 10 રૂપિયા ભાડુ નિર્ધારિત કરાયું છે. આ સિવાય મુસાફરોને ટિકિટ પણ આપવામાં આવશે.
બીઆટીએસ જન માર્ગના જનરલ મેનેજર વિશાલ ખન્નામાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં મોટી સંખ્યામાં દોડતી બીઆરટીએસ સેવા હજુ પણ તમામ લોકોને આવરી નથી શકી ત્યારે વધુમાં વધુ લોકોને જોડી શકાય એવા આશયથી અમદાવાદ મનપાએ પીપીપી ધોરણે ઇ-રિક્ષા સેવાનો નવતર પ્રયોગ કર્યો છે. કારણ કે બીઆરટીએસ નિર્ધારીત માર્ગો પરથી જ પસાર થાય છે. આથી અન્ય મહત્વના રસ્તાઓ પર રહેલી ઓફીસ કે મકાન સુધી પહોચવામાં મુસાફરોને ભારે તકલીફ પડતી હોય છે. મુસાફરોની આ તકલીફને ધ્યાને લઇ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ઇ રિક્ષાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેશનથી પ્રહલાદનગર, સરખેજ હાઇવે સુધી આ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં શિવરંજનીથી કોઇ પણ મુસાફર માત્ર 10 રૂપિયાની ટિકિટ લઇ શ્યામલ, આનંદનગર, પ્રહલાદનગરથી સરખેજ હાઇવે સુધી મુસાફરી કરી શકશે. આ નવી સેવાને સવારી નામ આપવામાં આવ્યું છે.
સવારી ઇ રિક્ષાના મેનેજર રાહુલ પટેલ જણાવ્યું હતું કે આ ઇ-રિક્ષાના ડ્રાઇવર પાસે એક બુકલેટ છે જેમાંથી દરેક મુસાફરને 10 રૂપિયાની જીએસટી સહિતની ટિકિટ આપવામાં આવે છે. જો ડ્રાઇવર ટિકિટ નહી આપી હોવાનું માલુમ પડશે તો જે તે પેસેન્જરની ટ્રીપ ફ્રી રહેશે. જે રૂટ પર આ શરૂ કરવામાં આવી છે ત્યાં હાલના તબક્કે મુસાફરોનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ એક પાઇલોટ પ્રોજેક્ટ છે, જેવો પ્રતિસાદ અત્યારે મળી રહ્યો છે તે ચાલુ રહ્યો તો આવનારા સમયમાં જ્યાં બીઆરટીએસના મુસાફરોની સંખ્યા વધારે છે ત્યાં પણ આ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવશે. તમામ રિક્ષાઓ જીપીએસથી સજ્જ છે તથા તેના પર એક ટોલ ફ્રી નંબર રાખવામાં આવ્યો છે જેના પર મુસાફર પોતાની કોઇ ફરિયાદ હોય તો તે કરી શકે છે. નોંધનીય છે કે ભૂતકાળમાં પણ મનપા ઇ-રિક્ષા પ્રોજેક્ટ લાવી ચૂકી છે. જે લાંબા ચાલ્યા ના હતા ત્યારે આ પ્રોજેકટને હાલ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે મનપા તેને અન્ય વિસ્તારોમાં પણ વિસ્તરણ કરવાનું વિચારી રહી છે.