Home /News /ahmedabad /પરિણીતા બની ઘરેલું હિંસાનો ભોગ, પતિએ કહ્યું - ‘મારે જમીન ખરીદવી છે, તારા બાપના ઘરેથી બે કરોડ લઈ આવ’
પરિણીતા બની ઘરેલું હિંસાનો ભોગ, પતિએ કહ્યું - ‘મારે જમીન ખરીદવી છે, તારા બાપના ઘરેથી બે કરોડ લઈ આવ’
વધુ એક મહિલા બની ઘરેલું હિંસાનો ભોગ
Domestic Violence: અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં દહેજના ભૂખ્યા સાસરિયાએ પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. પરિણીતાના પતિએ જમીન ખરીદવા માટે 2 કરોડ રૂપિયા લઈ આવવા માટે દબાણ કર્યું હતું.
અમદાવાદ: અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં દહેજના ભૂખ્યા સાસરિયાએ પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. પરિણીતાના પતિએ જમીન ખરીદવા માટે 2 કરોડ રૂપિયા લઈ આવવા માટે દબાણ કર્યું હતું. આ સાથે સાથે તેના જેઠે પરિણીતાની છાતી પર હાથ મુકીને છેડતી કરી હતી. જો કે પરિણીતાના પતિએ તેની સાથે બોલાચાલી અને ઝઘડો કરીને મારામારી કરતા અંતે કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
પતિ જાનથી મારી નાંખવાની ધમકી આપતો
શહેરના જુનાવાડજ વિસ્તારમાં રહેતી પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્નના છ મહીના સુધી તેના પતિ તેને સારી રીતે રાખતા હતાં. જો કે બાદમાં નાની નાની બાબતોમાં તેના પતિ અને સાસરિયાએ તેના શારિરીક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેનો પતિ તેને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. પરિણીતાના પતિએ ડોક્યુમેન્ટમાં સહી કરવાનું કહેતા તે તેના પિતાને ઘરે રહેવા માટે આવી ગઇ હતી.
25મી નવેમ્બરના દિવસે પરિણીતા તેના પરિવાર સાથે ઘરે હાજર હતી તે દરમિયાન રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ તેનો પતિ તેના ઘરે આવ્યો હતો. ત્યારે પરિણીતા પતિ સાથે દીકરીના અભ્યાસ અને તેના ખર્ચ બાબતે વાતચીત કરી રહી હતી. તે દરમિયાન તેનો પતિ અચાનક જ ઉશ્કેરાઇ ગયો અને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી પરિણીતાએ ગાળો બોલવાની ના પાડતા તેની સાથે ઝપાઝપી કરીને મારા મારી કરી હતી.
જો કે પરિણીતાના પિતા વચ્ચે પડતા તેમને પણ બેટ માર્યું હતું. જેમાં તેમને આંગળી અને હાથના ભાગે ઇજા પહોચી હતી. આથી બુમાબુમ થતાં આસપાસના લોકો એકઠા થયા હતાં. જેથી તેનો પતિ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પરિણીતાનો પતિ તેને જમીન ખરીદવી હોવાથી પિતાના ઘરેથી 2 કરોડ રૂપિયા લઈ આવવા માટે દબાણ કરતો હતો. જ્યારે તેના જેઠે પરિણીતાની છાતી પર હાથ મુકીને છેડતી પણ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.