અમદાવાદ: મુંબઈ ખાતે રહેતી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોડલિંગ કરનાર 23 વર્ષીય યુવતીએ 48 વર્ષના વેપારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. થોડા વર્ષો પહેલા વેપારીને જાહેરાત માટે મોડલની જરૂર હોવાથી બંને વચ્ચે મુલાકાત થઈ હતી. ત્યાર બાદ આરોપી તેની સાથે અવારનવાર મુલાકાત કરી હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો હતો. આ દરમિયાન આરોપી યુવતીને પ્રેમ કરતો હોવાનું જણાવતા યુવતીને પણ બાદમાં તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. આરોપીએ અવારનવાર લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું જણાવી તેની સાથે મુલાકાત કરી બળાત્કાર ગુજારતો હતો. પરંતુ તેણે આ કરાર ન કરતા આખરે યુવતીએ 48 વર્ષીય વેપારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જાહેરાત માટે લુક ટેસ્ટ કરવાનું કહી શારીરિક સંબંધ બાંધ્યો
મુંબઈમાં રહેતી 23 વર્ષીય સ્વરૂપવાન યુવતી ચારેક વર્ષથી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોડલિંગ કરે છે. તેના પરિવારના તમામ સભ્યો બિહાર ખાતે રહે છે. આજથી સાડા ચારેક વર્ષથી તે મોડલિંગનું કામ કરતી હતી. તે વખતે વર્ષ 2019માં મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં એક વ્યક્તિએ આ યુવતીને અમદાવાદ ખાતે રહેતા 48 વર્ષીય વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો. જે વ્યક્તિનો અમદાવાદમાં કપડાનો વ્યવસાય છે અને તેને કપડાની જાહેરાત માટે શૂટિંગ કરાવવાનું છે, તેવું આ યુવતીને જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ 48 વર્ષીય વ્યક્તિએ યુવતીને અમદાવાદ બોલાવી હતી. યુવતી અમદાવાદ આવતા તેને રેલ્વે સ્ટેશન આ વ્યક્તિ લેવા ગયો હતો અને બાદમાં તેને એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં જાહેરાત માટે લુક ટેસ્ટ કરવાનું કહી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતી ગભરાઈ જતા તે મુંબઈ જતી રહી હતી.
યુવતીના ઘરે પણ અવારનવાર જતો અને શારીરિક સંબંધ બાંધતો
લગભગ બે મહિના પછી 48 વર્ષીય વ્યક્તિએ યુવતીને ફોન કરી અને તેને પ્રેમ કરતો હોવાનું જણાવી જિંદગીભર લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માગતો હોવાનું કહેતા યુવતીએ તેની સાથે વાત શરૂ કરી હતી. યુવતી પણ બાદમાં આ વ્યક્તિને પ્રેમ કરવા લાગી હતી. બાદમાં બંને વચ્ચેની મુલાકાતો વધી હતી. જ્યારે જ્યારે યુવતી અમદાવાદ આવતી ત્યારે તે આ પ્રેમી સાથે હોટલમાં રોકાતી અને તે દરમિયાન આરોપી તેની પર બળાત્કાર ગુજારતો હતો. અવારનવાર 48 વર્ષીય આ વ્યક્તિ લિવ ઇન રિલેશનશિપમાં રહેશે, તેમ કહેતો હોવાથી અનેકવાર તેને મુંબઈ મળવા પણ જતો હતો અને યુવતીના ઘરે પણ અવારનવાર જતો અને શારીરિક સંબંધ બાંધતો હતો.
'તારા ચહેરા ઉપર એસિડ નાખી તારો ચહેરો બગાડી નાખીશ'
એક વખત આ વ્યક્તિ મુંબઈ યુવતીને મળવા ગયો ત્યારે યુવતીએ લિવ ઇનમાં રહેવાનો કરાર કરવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો. બાદમાં તું મારું કહ્યું નહીં કરે તો તારા ચહેરા ઉપર એસિડ નાખી તારો ચહેરો બગાડી નાખીશ, તેમ કહી ધમકી આપતો અને યુવતી જ્યાં-જ્યાં મોડલિંગનું કામ કરતી ત્યાં જઈને લોકો જોડે સંબંધ બગાડી તેનું કામ બંધ કરાવી દીધું હતું. આમ અવારનવાર લિવ ઇન કરાર કરવા માટે આરોપીએ આનાકાની કરી ઝઘડો કરી યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દેતા યુવતીએ આરોપી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.