અમદાવાદ: આગામી 30 તારીખથી શહેરના મેટ્રો રેલ પ્રોજેકટનો વધુ એક ફેઝ શરૂ થઈ રહ્યો છે. ત્યારે મેટ્રો રેલ પ્રોજેકટને લઈ વધુ એક સમસ્યા સામે આવી છે. અને તે છે પાર્કિગની સમસ્યા. જી હાં, અગર આપને મેટ્રો સ્ટેશન સુધી પોતાના વાહનમાં પહોચી મેટ્રોની મુસાફરી કરવી છે તો આપને સૌથી મોટી સમસ્યા પાર્કિંગની થવાની છે. કારણ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેટ્રો સ્ટેશનની નીચે કે આસપાસ લોકોએ પોતાનું વાહન ક્યાં પાર્ક કરવું તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો જ નથી. જેથી આ મામલે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપથી પાર્કિગની વ્યવસ્થા થાય તેવી માંગ ઉઠી છે.
અમદાવાદમાં પહેલાથી જ ટ્રાફિક અને પાર્કિગની સમસ્યા છે. તેના કારણે જ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે ઇચ્છનીય છે. અમદાવાદમાં હવે વાસણા APMCથી મોટેરા સુધીનો મેટ્રો પ્રોજેકટ શરૂ થવાનો છે. જેને લીલીઝંડી આપવા ખુદ 30મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે.
આ મેટ્રો શરૂ થઈ જતા વસ્ત્રાલથી મોટેરા સુધી મેટ્રો દોડતી થઈ જશે તે નક્કી છે. અમદાવાદવાસીઓને મેટ્રોનું આ નજરાણું મળવા જઇ રહ્યું છે. જોકે, મેટ્રોના આ પ્રોજેકટને લઈ હાલમાં જ મેટ્રો રૂટ પર ખરાબ રસ્તાઓનો વિવાદ તો સામે આવ્યો જ છે. ત્યારે વધુ એક મોટી સમસ્યા પાર્કિગની સામે આવી છે.
તંત્ર દ્વારા મેટ્રો ટ્રેન તો શરૂ કરવામાં આવી રહી છે પરંતુ સમસ્યા પાર્કિગની થવાની છે. ધારો કે, કોઈ વ્યક્તિને થલતેજ સ્ટેશનથી મોટેરા સુધી જવું છે અને જેના માટે તેણે પોતાના ઘરેથી થલતેજ મેટ્રો સ્ટેશન પોતાનું વાહન લઈને જવું છે. તો તે પોતાનું વાહન થલતેજ મેટ્રો સ્ટેશન પાસે ક્યાં પાર્ક કરશે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે, શહેરમાં મેટ્રો સ્ટેશનોની નીચે ક્યાંય પાર્કિગની તો વ્યવસ્થા કરવામાં આવી નથી. જેતે સમયે મેટ્રો સ્ટેશન નજીક AMCના ખાલી પ્લોટનો સર્વે પાર્કિગ માટે કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તે સર્વેનું શુ થયું, શું કોઈ પાર્કિગ પ્લોટ નકકી કરાયા છે કે કેમ અને એ નક્કી કરાયા છે તો તે ક્યારે જાહેર કરાશે તેવા અનેક સવાલો હાલ સામે આવી રહ્યા છે.