અમદાવાદ: પરિણીતાએ સોશિયલ મીડિયામાં સ્ટે્ટસ મૂકતા સાસરિયાઓએ તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જ્યારે તેના સસરા અવારનવાર કોઇપણ ચીજ વસ્તુ લેવાના બહાને શરીરે સ્પર્શ કરીને છેડતી કરતા હતાં. પરિણીતાએ દીકરીને જન્મ આપતા તેના સાસુએ કહ્યું કે, મારે તો દીકરો જોઇતો હતો અને તે દીકરીને જન્મ આપ્યો છે. તેના પતિએ આનો ડીએનએ ટેસ્ટ કરવો છે, તેમ કહીને પરિણીતા પર શંકા વહેમ રાખીને માનસિક ત્રાસ આપ્યો હોવાની ઘટના સામે આવી છે.
સાસુએ તેને ખોટી ઠેરવીને લાફો મારી દીધો હતો
પરિણીતાને પિયરની યાદ આવતા તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટેટ્સ મૂક્યું હતું, જેને લઇને તેના પતિ અને સાસરિયાએ ઝઘડો કરીને કહ્યું કે, તું આવું સ્ટેટ્સ મૂકીને એવું સાબિત કરે છે કે તું અમારી સાથે ખુશ નથી. જ્યારે બીજી વખત વોટ્સઅપમાં હાઇડ કરેલ છે, તેમ માનીને ઝઘડો કર્યો હતો. પરિણીતાની ભુલ ના હોવા છતાં પગે પડી માફી માંગવી પડી હતી. તું કેમ મારા મમ્મી-પપ્પાનું કહેવું માનતી નથી, તેમ કહીને તેના પતિએ તેને માર માર્યો હતો. પરિણીતા રસોડામાં કામ કરતી હોય ત્યારે તેના સસરા કોઇપણ ચીજવસ્તુ લેવાના બહાને તેના શરીરે સ્પર્શ કરતા હતાં. એક દિવસ બપોરના સમયે પરિણીતા ઘરે એકલી હતી ત્યારે તેના સસરાએ તેને ચા બનાવવા માટેનું કહેતા તે ચા બનાવતી હતી. ત્યારે તેના સસરાએ પાછળથી આવીને એકદમ બાથમાં ભરી છાતી દબાવીને ગુપ્તાંગ પર હાથ ફેરવીને આબરું લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિણીતાએ બુમાબુમ કરતા તે રસોડાની બહાર નીકળી ગયો હતો. જ્યારે તેના સાસુ અને નણંદ ઘરે આવતા તેઓને આ બાબતની જાણ કરતાં તેના સાસુએ તેને ખોટી ઠેરવીને લાફો મારી દીધો હતો. જ્યારે તેના પતિએ પપ્પા આવું ન કરી શકે, તું જ ખોટી છે, તેમ કહીને ઝઘડો કર્યો હતો.
જોકે, પરિણીતા તેના સસરા વિરુદ્ધ ફરિયાદ ન કરે તે માટે તેના સસરાએ માફી માંગીને પ્રોમિસ કર્યું હતું કે, હવે પછી આવું કૃત્ય નહીં કરે. જેથી પરિણીતાએ તે સમયે કોઇ ફરીયાદ કરી ન હતી. પરિણીતાને ડિલિવરીમાં ડોક્ટર દ્વારા આપવામાં આવેલી તારીખને લગભગ એકાદ મહિનો બાકી હોવા છતાં તેના નણંદએ જીદ કરી હતી કે, મારે તો મારા ભાઇની દીકરી કે દીકરાનું મોઢું જોઇને જ જવું છે. આવી જીદના કારણે ડિલિવરી કરાવ્યા બાદ પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો હતો. જેથી તેના સાસુએ કહ્યું હતું કે, મારે તો દીકરો જોઇતો હતો. અને તે દીકરીને જન્મ આપ્યો છે. તેના પતિએ આનો ડીએનએ ટેસ્ટ કરવો છે, તેમ કહીને પરિણીતા પર શક વહેમ રાખીને માનસિક ત્રાસ આપ્યો હતો. પરિણીતાના પતિએ તેને આરામ કરવા માટે પિયર જઇ આવવા માટે કહ્યું હતું. જોકે, પરિણીતા પિયરમાં હતી ત્યારે તેના પતિનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, લગ્ન વખતે અમે દહેજ લીધેલ નથી તો હવે તું પચ્ચીસ લાખ રૂપિયા દહેજના લઇને આવજે. નહીંતર પાછી આવતી નહીં.
પતિ દીકરીને લઈને એકલો જ ટ્રેનમાં બેસીને નીકળી ગયો હતો
પરિણીતાનો પતિ તેને લેવા માટે રેલ્વે સ્ટેશન પર આવ્યો હતો, એટલે મહિલા દીકરીને લઈને તેના માતા-પિતા સાથે રેલ્વે સ્ટેશન પહોંચી હતી. પરંતુ ટ્રેન ઉપડતા જ તેનો પતિ ચાર મહિનાની દીકરીને લઈને એકલો જ ટ્રેનમાં બેસીને નીકળી ગયો હતો. તેને ફોન કરતા ફોન પણ ઉપાડતો ન હતો. જો ફોન ઉપાડે તો ધમકી આપતો હતો. જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.