અમદાવાદ: શહેરની એક પોલીસ લાઈનમાં રહેતી યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતાં. લગ્ન બાદ એક રાત્રે એક મહિલાનો તેના પતિના ફોન પર ફોન આવ્યો હતો. જેમાં એક સ્ત્રી વાત કરતી હોવાથી યુવતીએ તેના પતિનું પ્રેમ પ્રકરણ પકડી પાડ્યું હતું. પતિને આવું ન કરવાનું કહેતા તે માર મારવા લાગ્યો હતો. છાપરામાંથી યુવતીએ પતિને તે સ્ત્રી સાથે પણ પકડ્યો ત્યારે યુવતીએ તે સ્ત્રીને ઘર ન તોડવાનું સમજાવતા તેણે મારામારી કરી તારો પતિ મારો છે કહીને યુવતીને ઇજાઓ પહોંચાડી હતી. સમગ્ર બાબતોથી કંટાળી યુવતીએ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના હાંસોલમાં રહેતી 26 વર્ષીય પરિણીતા હાલ તેના ભાઈ ભાભી સાથે રહે છે. તેના લગ્ન વર્ષ 2019 માં એક પોલીસ લાઇનમાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી પણ આ પોલીસ લાઈનમાં તેના પતિ સાથે રહેવા ગઈ હતી. દોઢેક વર્ષ પહેલા યુવતીના પતિના ફોન પર રાત્રે એક મહિલાનો ફોન આવતા તેણે ફોન રિસીવ કર્યો હતો. ત્યાં ફોનમાં એક મહિલા વાત કરતી હોવાથી તેણે તેના પતિને આ બાબતે પૂછ્યું હતું. પણ પતિએ કોઈ યોગ્ય જવાબ ન આપતા યુવતીએ જાતે તપાસ કરી તો તેને પતિના આ સ્ત્રી સાથેના પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ હતી.
યુવતીને એવું પણ જાણવા મળ્યું કે, લગ્ન પહેલાથી આ તેના પતિને ફોન કરનાર સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો. જેથી યુવતીએ આ પ્રેમ સંબંધ ન રાખવાનું કહેતા તેનો પતિ તેને મારઝૂડ કરતો હતો. થોડા મહિના પહેલા જ તેનો પતિ છાપરામાં રહેતી આ સ્ત્રી સાથે મળી આવ્યો હતો. ત્યારે આ યુવતીએ તે સ્ત્રીને સમજાવી હતી અને કહ્યું હતું કે, તે આ યુવતીના પતિને છોડી દે. પણ તે સ્ત્રીએ તારો પતિ મારો જ છે તેમ કહેતા યુવતીએ ઘર સંસાર ન તોડવાની આજીજી કરી છતાંય તે સ્ત્રી માની નહોતી.
તે સ્ત્રીએ આ યુવતી પર હાથ પણ ઉગામયો હતો. આખરે પતિએ પત્નીની વાત ન માની અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખી તેને માર મારી ત્રાસ આપતા યુવતીએ ફરિયાદ આપતા સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.