અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીના વર્ષ 2015માં લગ્ન થયા હતા. વર્ષ 2016માં તેણે એક દીકરીને જન્મ આપતા જ પતિ અને સાસુને ગમ્યુ નહોતુ. પતિ અને સાસુ ને સંતાનમાં દીકરો જોઇતો હોવાથી આ યુવતીને ત્રાસ આપવા લાગ્યા હતા. આટલું જ નહિ યુવતીના પતિએ તો બાળકીનો જન્મ થતાં જ દીકરી તેની નથી કહીને યુવતી સાથે બબાલ કરી હતી. આખરે કંટાળીને યુવતીએ ફરિયાદ આપતા પોલીસે હવે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગોમીતપુરમાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2015માં દાણીલીમડાના એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી સાસરે રહેવા ગઇ હતી. વર્ષ 2016માં આ યુવતીએ એક દીકરીને જન્મ આપ્યો તો પતિએ તે દીકરી તેની નથી તેમ કહી બબાલ શરૂ કરી હતી. આટલું જ નહિ પતિની સાથે સાસુએ પણ દીકરીના જન્મને લઇને બબાલ કરી યુવતીને માનસિક શારિકીક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેનાથી કંટાળીને આ યુવતી તેના પિયર રહેવા જતી રહી હતી.
દોઢેક વર્ષ સુધી પિયરમાં રહ્યા બાદ આ યુવતીને તેના સાસરિયાઓએ બોલાવતા તે ફરીથી તેના સાસરિયે રહેવા ગઇ હતી. ત્યારબાદ પણ તેની સાસુ દીકરાને ચઢામણી કરતા યુવતીનો પતિ તેની સાથે ઝઘડા કરી માર મારતો હતો. પણ પોતાનો સંસાર ટકાવવા માટે યુવતી તેની સાસુ અને પતિનો આ ત્રાસ સહન કરતી હતી અને તેના પિયરજનોને કાંઇ પણ કહેતી નહોતી.
તાજેતરમાં જ યુવતી પકોડી ખાતી હતી ત્યારે તેનો પતિ આવ્યો અને છોકરીઓની તબિયત ખરાબ છે અને તું પકોડી ખાય છે તેમ કહી તેની સાથે ઝઘડો કરી તેને ફટકારી હતી. યુવતીને વધુ વાગતા તેને સારવાર માટે ખસેડાઇ હતી. યુવતીને તેનો પતિ ફોનમાં કોની સાથે વાતો કરે છે તેમ કહી તેને માર પણ મારવા લાગ્યો હતો.
" isDesktop="true" id="1294499" >
જેથી યુવતી તેના પિયરમાં જતી રહી હતી. પણ બાદમાં સાસુ દિયર અને પતિ સહિતના લોકો આ યુવતીના પિયર જઇ કોને જાણ કરીને પિયરમાં આવી તેમ કહી બબાલ કરી યુવતી અને તેની માતાને માર મારવા લાગ્યા હતા. જેથી સાસરિયાઓના આ ત્રાસથી કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.