અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, લગ્નના છ મહિના પછીથી તેની સાસરી પક્ષના લોકો તેને હેરાન પરેશાન કરી ત્રાસ આપતા હતા. આટલું જ નહીં, કોરોના મહામારીના કારણે તેનું સીમંત થયું નહોતું. પરંતુ તેના સાસરી પક્ષના લોકો કોરોના પૂરો થઈ ગયા બાદ દાગીના માંગી ત્રાસ આપતા હતા. આટલું જ નહીં, યુવતીની સાસુએ કોઈ દવા પી લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે દવા તેની વહુએ પીવડાવ્યુ હોવાની ખોટી રજૂઆત પોલીસ સમક્ષ કરી હતી. આ ત્રાસના કારણે કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના બાપુનગરમાં રહેતી 23 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2019 માં મહેસાણાના કડી ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી. જોકે, લગ્નના છ મહિના પછી એના સાસરીયાઓએ કામ બાબતે તેની સાથે બોલાચાલી કરી માનસિક હેરાન પરેશાન કરી ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું.
લગ્નના છ મહિના પછી તેને ગર્ભ રહેતા તે બીમાર પડી હતી. ત્યારે તેના પતિએ દવા કરાવી નહોતી અને પિયરમાં દવા કરાવવા આ યુવતીને મૂકીને તેનો પતિ જતો રહ્યો હતો. ત્યારબાદ યુવતીનો પતિ કે તેના સાસરીયાઓ બે મહિના સુધી તેને લેવા પણ આવ્યા નહોતા. કોરોનાની મહામારીના કારણે સીમંત વિધિ પણ થઈ નહોતી. આ વિધિમાં દાગીના મેળવવા માટે યુવતી અને તેના સાસરીયાઓએ કોરોના પતિ ગયો છે એટલે હવે તારા પિતાને કહે કે, સોના ચાંદીના દાગીના લાવી આપે. તારા પિતાને આપવાની દાનત નથી તેમ કહી માનસિક શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
યુવતી જે મકાનમાં રહેતી હતી. તે મકાનમાં સાસુ સસરા દેરાણી પણ રહેતા હતા. થોડા સમય પહેલા યુવતીની સાસુ એ દવા પી લેતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઈને પોલીસ સ્ટેશનમાં આ યુવતી પર ખોટા આક્ષેપ નાખીને તેને કંઈ પીવડાવી દીધું છે તેવી રજૂઆત કરી હતી. ત્યારબાદ યુવતીના પતિએ આ બાબતને લઈને તેને માર પણ માર્યો હતો. બાદમાં પોલીસની હાજરીમાં યુવતી નો પતિ છૂટાછેડા આપી દેવા બબાલ કરતાં આ યુવતી ગભરાઈ ગઈ હતી અને તેને મારી નાખવાની પણ ધમકી આપતા યુવતી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરી પક્ષના પાંચ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.