અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બન્યું એવું કે, પતિ બહારથી આવતા પત્નીએ જમવાનું આપ્યું હતું. એકનું એક શાક બનાવે છે કહીને પતિ ગુસ્સે ભરાયો અને પત્નીને ગાળો બોલી ફટકારી હતી. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સૈજપુર બોઘા ખાતે રહેતી 34 વર્ષીય યુવતી પતિ અને દીકરા સાથે રહે છે. ગઈકાલે આ મહિલા ઘરે હાજર હતી ત્યારે તેનો પતિ બહારથી કામ પતાવીને આવ્યો હતો. બાદમાં યુવતીએ તેના પતિને જમવાનું આપ્યું હતું. સવારે બનાવેલી રસોઈ યુવતીએ થાળીમાં પીરસીને હજુ પતિ પાસે મૂકી ત્યાં થાળીમાં મુકેલું શાક જોઈને જ પતિ ભડક્યો હતો. અને બાદમાં રોજ એકનું એક શું શાક બનાવે છે, જમવાનું સારું બનાવતી નથી કહીને ઝગડો શરૂ કર્યો હતો. આ દરમિયાન યુવતીનો પતિ ગાળો બોલતા યુવતીએ ગાળો બોલવાની ના પાડતા પતિએ તેને બે ત્રણ લાફા ઝીંકી દીધા હતા.
આટલેથી હજુ પતિ ન રોકાયો તો ચપ્પુ લઈ આવી પત્નીના હાથમાં મારી દીધું હતું. જેથી યુવતીને લોહી નીકળવા લાગ્યું હતું. યુવતીએ બુમાબુમ કરતા જ આસપાસ ના લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં યુવતીના પતિએ તારા માતા પિતા ના ઘરે જતી રહેજે નહિ તો જાનથી મારી દઈશ તેવી ધમકી આપી હતી. બીજીતરફ યુવતીને ઇજાઓ થતા તેને સારવાર માટે લઈ જવાઇ હતી.
સારવાર પૂર્ણ થયા બાદ યુવતીએ પોલીસને આ ઘટના બાબતે જાણ કરતા જ હવે પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મહિલાઓ પર અત્યાચાર ના કિસ્સા વધી રહ્યા છે. જેને લઈને પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.