અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, તેના પતિ કામ માટે બહાર ગયા ત્યારે તેની દીકરી મકાનની બહાર રમવા ગઈ હતી. તેને લઈને આવી ત્યારે દિયરે પાછળથી આવી આ યુવતીને બાથ ભીડી અને બાદમાં યુવતીએ ધક્કો મારી મુક્ત થવાનો પ્રયત્ન કરતા દિયરે બેડ પર પાડી દઈ જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી એક યુવતીના પાંચેક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસુ, નણંદ, દિયર અને પતિ પાસે આ યુવતી રહેવા ગઈ હતી. યુવતીને લગ્ન જીવન દરમિયાન બે દીકરીઓ જન્મી હતી. જેથી તેની સાસુ તેને દીકરો નથી થતો અભાગણી છે તેમ કહી ત્રાસ આપવા લાગી હતી. આટલું જ નહીં, યુવતીનો પતિ પણ તેને માનસિક શારીરિક ત્રાસ આપવા લાગ્યો હતો.
યુવતી ગઈકાલે ઘરે હાજર હતી. ત્યારે તેની નાની દીકરી બહાર રમવા ગઈ હતી. તેનો પતિ કામથી બહાર ગયો હતો. અચાનક દીકરીનો રડવાનો અવાજ આવતા યુવતી તેને લેવા ગઈ હતી. દીકરીને લઈને યુવતી ઘરમાં આવતી હતી ત્યાં જ તેનો દિયર પાછળથી આવ્યો અને યુવતીને બાથ ભરી લીધી હતી. યુવતીએ પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જ તેના દિયરે તેને ધક્કો મારી બેડ પર પાડી દીધી અને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર બાબત યુવતીએ સાસુ અને પતિને જણાવતા તે લોકોએ યુવતીનો જ વાંક કાઢી તેની સાથે બોલાચાલી કરી હતી. સમગ્ર બાબતને લઈને યુવતીએ સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસ અને દિયર સામે છેડતીની ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાથે જ આ ફરિયાદમાં દર્શાવેલ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.