અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીએ તેને થોડા વર્ષો પહેલા કોમ્પયુટર શીખવાડનાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ થોડા સમય પછી તેના સસરા અને સાસુ તથા પતિએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. યુવતીનો પતિને કોઇ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ પણ હતો. જેથી પતિ મોડી રાત સુધી ઘરની બહાર રહી ફોન પર વાતો કર્યા કરતો હતો. યુવતી પણ ક્યારેક મોડી ઉઠે તો સસરા તેને સંસ્કાર વગરની કહીને ત્રાસ આપી અપમાનિત કરતા હતા. આખરે સાસરિયાના આ ત્રાસથી કંટાળી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના વાસણા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી હાલ તેના સાસરિયાઓ સાથે રહે છે. તે હાલ એસજી હાઇવે પર આવેલી એક આઇટી કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2011માં તે યુવતી કોમ્પ્યુટર ક્લાસમાં જતી હતી ત્યાં કોમ્પ્યટર શીખવાડનાર સાથે તેને પ્રેમ સંબંધ બંધાતા બંનેએ વર્ષ 2017માં પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ યુવતી સાસરે રહેવા ગઇ ત્યારે થોડા સમય સુધી સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી. પણ ક્યારેક તેને ઉઠવામાં મોડુ થાય તો તેના સસરા તેને સંસ્કાર વગરની કહીને અપમાનિત કરતા હતા. યુવતી ટ્યુશન કરાવી સાંજે ઘરે આવે ત્યારે પણ તેના સસરા આ સાસુને વહુ બાબતે ચઢામણી કરતા હતા. વર્ષ 2020માં યુવતીને ગર્ભ રહેતા તેનાથી થાય તેટલું કામ કરતી પણ અમુક કામ ન કરે તો તેના સાસુ સસરા તેને મહેણા ટોણા મારી માનસિક શારિરીક ત્રાસ આપતા હતા.
યુવતીએ જ્યારે એક દીકરાને જન્મ આપ્યો ત્યારબાદ તેનો પતિ કોઇ સ્ત્રી સાથે ફોન પર વાતો કરતો અને રાત્રે જમીને પણ ઘરની બહાર જતો રહેતો અને મોડો આવતો હતો. જે બાબતે યુવતીએ તેના પતિને વાત કરતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે તેનું માથું આ યુવતીના કપાળ સાથે અથડાવી માર મારતા યુવતીને ઇજાઓ પહોંચી હતી.
યુવતીના પતિને કોઇ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવા બાબતે યુવતીએ તેના સાસુ સસરાને વાત કરતા તે લોકો પણ સપોર્ટ કરતા હતા. બાળક રડે ત્યારે સસરા તેને લેવા દેતા નહિ અને કામ પૂરૂ થયા બાદ છોકરાને તેડવાના તેમ કહી ત્રાસ આપતા હતા. થોડા દિવસ પહેલા યુવતીનો પતિ મોડી રાત્રે કોઇ સાથે ફોન પર વાત કરતો હતો. જે બાબતે આ યવતીએ કહેતા તેના પતિએ ઝઘડો કર્યો હતો અને બાદમાં તે સવારે ઘરેથી ક્યાંક જતો રહ્યો હતો. આમ યુવતીએ સાસરિયાઓના આ ત્રાસથી કંટાળી પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.