Home /News /ahmedabad /અમદાવાદ: સંબંધી અને પત્નીના ત્રાસથી આધેડે જીવન ટૂંકાવ્યુ, મરતા પહેલા જાહેર કર્યા વીડિયો
અમદાવાદ: સંબંધી અને પત્નીના ત્રાસથી આધેડે જીવન ટૂંકાવ્યુ, મરતા પહેલા જાહેર કર્યા વીડિયો
રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન
આશરે બે મહિના પહેલા ભુપેન્દ્રભાઇએ તેમના દીકરાને જણાવ્યું હતું કે, મહિલાએ વૈશાલી અને હરીશ ઠક્કરના કહેવાથી તેમના વિરુદ્ધમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં છેડતીથી ખોટી ફરિયાદ કરેલ છે.
અમદાવાદ: પત્નીના અન્ય પુરુષ સાથેના આડા સંબંધ અને કૌટુંબીક સંબંધીઓને આપેલ દાગીના તેમજ રૂપિયા પરત ન કરીને પોલીસમાં અરજી કરીને માનસિક ત્રાસ આપતા આધેડે આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા મૃતકએ વીડિયો પણ બનાવ્યો હતો અને સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેના આધારે પોલીસએ 7 લોકો વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.
શહેરના વાસણા વિસ્તારમાં રહેતા ભુપેન્દ્રભાઇના પત્નીનું અવસાન થયા બાદ તેમના પરિચિત એક મહિલા સાથે તેમને પ્રેમસંબંધ બંધાયો હતો. જેથી આ મહીલાએ તેના પતિ સાથે છુટાછેડા લઇને ભુપેન્દ્રભાઇ સાથે લગ્ન કર્યા હતાં. ભુપેન્દ્રભાઇ આ મહિલા અને તેના દીકરા સાથે વાસણા વિસ્તારમાં રહેતા હતાં. જોકે છ મહિના બાદ બંન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં હોવાથી મહિલાને અલગ ભાડે મકાન લઇ આપ્યું હતું. જોકે ત્રણેક વર્ષ અગાઉ મહિલા કહ્યા વગર ક્યાંક જતાં રહેતા ભુપેન્દ્રભાઇએ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બંન્ને વચ્ચે સમાધાન થતાં એકાદ વર્ષ જીવરાજપાર્ક રહ્યા બાદ મહિલા અને તેના દીકરાને નારણપુરામાં ભાડે મકાન લઇ આપ્યું હતું. જ્યાં ભુપેન્દ્રભાઇ અવર જવર કરતા હતાં.
આશરે બે મહિના પહેલા ભુપેન્દ્રભાઇએ તેમના દીકરાને જણાવ્યું હતું કે, મહિલાએ વૈશાલી અને હરીશ ઠક્કરના કહેવાથી તેમના વિરુદ્ધમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં છેડતીથી ખોટી ફરિયાદ કરેલ છે. જેથી તેમણે દવા પી લીધેલ, જોકે તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતાં. બાદમાં મહિલાએ સમાધાન કરી લીધું હતું. ભુપેન્દ્રભાઇ મહિલાના ઘરે જતાં તેણે ઘરે ના આવવાનું કહીને બહાર મળવાનું કહેતા ભુપેન્દ્રભાઇએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી. આ મહીલાને હરીશ ઠક્કર નામના વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની જાણ પણ ભુપેન્દ્રભાઇએ તેમના દીકરાને કરી હતી.
બે ત્રણ મહિના પહેલા જ્યારે તેઓ ઘરે હાજર ના હતાં ત્યારે તેમના સંબંધી રમેશ ડોડિયા, ધીરુભાઇ અને રમેશ વાઘેલા તેમના ઘરે આવ્યા હતાં. ભુપેન્દ્રભાઇના દીકરાને કહ્યું હતું કે, તારા પિતા અમારા છ લાખના દાગીના દબાવીને બેસી ગયો છે. અમારે ઘરમાં લગ્ન છે અમને અમારા દાગીના આપો. એના હાથ પગ તોડી નાંખીશું. જોકે ફરિયાદીએ તેઓને સમજાવતા તેઓ ત્યાંથી જતાં રહ્યાં હતાં. આ બાબતે ભુપેન્દ્રભાઇના દીકરાને તેમને ફોન કરીને જણાવતા તેણે કહ્યું હતું કે, રમેશ ડોડિયા પાસે તેમને વીસ હજાર રૂપિયા પાછા લેવાના છે. જ્યારે તેના કહેવાથી તેમણે ધીરૂભાઇ અને રમેશ વાઘેલા પાસેથી દાગીના વેચાણ લીધેલ છે. જોકે બનાવના ચાર પાંચ દિવસ પછી ભુપેન્દ્રભાઇ અને તેમનો દીકરો ધીરૂભાઇ અને રમેશ વાઘેલાને મળવા જતાં તેમણે કહ્યું હતું કે, લગ્ન પ્રસંગ હોવાથી તેમને દાગીના પહેરવા માટે આપે બે ત્રણ દિવસ બાદ દાગીના પરત આપી દઇશું. કેટલાક દિવસ બાદ અવાર નવાર ફોન કરવા છતાં તેમણે દાગીના પરત કર્યા ના હતાં.
જ્યારે કુલદીપ પ્રજાપતી નામના યુવક પાસે પણ ઉછીના આપેલા 85 હજાર માંગતા તેના દ્વારા હાથ પગ તોડી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. આમ કંટાળીને ભુપેન્દ્રભાઇએ 24મી મેના દિવસે તેમના પાડોશીને ત્રણ વીડિયો અને એક લખાણ પત્ર વોટ્સઅપ કરીને આત્મહત્યા કરવા માટે જઇ રહ્યા હોવાનું કહેતા તેમનો દીકરો તાત્કાલિક રીવરફ્રન્ટ પર પહોચ્યો હતો. તેઓને સમજાવીને ઘરે લાવ્યો હતો.
25મી મેના દિવસે સવારના સમયે તેના પિતા ઘરની નીચે ક્યાંય જોવા ના મળતા ફરિયાદીએ તેમને ફોન કર્યો હતો. ફોન સ્વીચ ઓફ આવતા આસપાસમાં તપાસ કરી હતી. જેમાં રીવરફ્રન્ટ વોક વે પરથી ચપ્પલ મળી આવતા સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડ અને પોલીસને કરી હતી. ફાયરબ્રિગેડે સાબરમતી નદીમાંથી તેમનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા તેમણે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, હું ચંદ્રનગર રીવરફ્રન્ટમાં નદીમાં પડીને આત્મહત્યા કરું છું, મારા મોતના જવાબદાર છે રમેશ ડોડીયા, રમેશ ઉર્ફે જોજો, ધીરુભાઇ. આ ત્રણેય મિત્રો છે. ત્રણેય લોકો મારા પૈસા દબાવીને બેઠા છે. દાગીના આપ્યા તે પણ એ લોકોએ પાછા લઇ લીધા છે. દાગીના આપતા નથી અને પૈસા પણ આપતા નથી. ઉપરથી મારી વિરુદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરે છે. જ્યારે હરીશે તેમની વાઇફને ભોળવીને મીઠી મીઠી વાતો કરીને તેમની બાજુ ખેંચી લીધેલી છે. વૈશાલી ખોટા કેસ કરાવેલ છે. આ બધા છે મોતના જવાબદાર, પોલીસ સાહેબ હું એટલું જ કહેવા આ કોઇને છોડતા ન. જ્યારે બીજો પણ એક વીડિયો અને બનાવ્યો હતો અને વીડિયોમાં તેમણે પરિવારને સંબંધીને કહ્યું હતું કે, મને માફ કરી દેજો, હું સારો બાપ ન બની શક્યો. હું અત્યારે બહું ડિપ્રેશનમાં છું. વૈશાલી અને હરીશના કહેવાથી મારી ઉપર કેસ કર્યાં, આ લોકોના કારણે આ પગલું ભરૂ છુ.
આ બધા મારા મોતના જવાબદાર છે. ધીરૂભાઇ, રમેશ ઉર્ફે જોજો, રમેશ ડોડીયા, કુલદીપ નાસ્તો છે મે તેને પૈસા આપ્યા હતાં. અને મને ધમકી આપે છે. એક વર્ષથી પૈસા દેતો નથી. એ લોકો પણ પૈસા દેતા નથી. આમ સમગ્ર ઘટના જાણ પોલીસને કરતા પોલીસએ સાત લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.