અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે. પતિ પત્નીના આ બીજા લગ્ન હતા. લગ્નના છ માસ બાદથી પતિ અને સસરા ત્રાસ આપવા લાગ્યા હતા. યુવતીને તેનો પતિ પિયરમાં મૂકી આવ્યો હતો અને બાદમાં તેડવા પણ આવ્યો નહોતો. આટલું જ નહિ વારે તહેવારે તેને ફરવા લઇ જઇ બાળકોને રાખવા કે કપડા પહેરવા બાબતે રોકટોક કરતા યુવતી કંટાળી ગઇ હતી. પોલીસ ફરિયાદ કરવાનું આ યુવતીએ કહેતા પતિ અને સસરાએ મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે હવે આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના મણીનગરમાં રહેતી 34 વર્ષીય યુવતી પતિ સસરા અને બે બાળકો સાથે રહે છે. તેનો પતિ કાપડની દુકાન ધરાવે છે અને આ યુવતી તથા તેના પતિએ વર્ષ 2018માં બીજા લગ્ન કર્યા હતા. લગ્નના છ માસ બાદથી પતિ અને સસરા નાની નાની વાતોમાં બોલાચાલી કરી ઝઘડો કરી શંકાઓ રાખવા લાગ્યા હતા. દિવાળી પહેલા જ યુવતીને તેના બાળકો સાથે પતિએ પિયરમાં મોકલી દીધી હતી અને એક મહિનો સુધી તેને તેડી ગયો નહોતો.
જેથી યુવતી તેની જાતે પિયરથી સાસરે પરત આવી ગઇ હતી. થોડા સમય સુધી સારી રીતે રાખ્યા બાદ પતિએ ઘરખર્ચના નાણા ન આપી ઝઘડા કરી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. બાદમાં કોઇ પણ વારેતહેવારે યુવતીને તેનો પતિ ફરવા પણ લઇ જતો નહિ અને બાળકોને સારી રીતે રાખવા કે કપડા પહેરાવવા બાબતે રોકટોક કરતો હતો.
આ બધી બાબતોથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા તેના પતિ અને સસરાએ પોલીસમાં જઇ ફરિયાદ આપીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા હતા.
અચાનક જ સસરાએ કામવાળીને કામ કરવા માટે ન આવવાનું કહી આ યુવતીને ઘરનું કામ કરવાનું કહ્યું હતું. યુવતીની તબિયત સારી ન હોવાથી આ વાત તેણે તેના પતિને કરતા તેના પતિએ તેના પિતાનું ઉપરાણુ લઇ વાળ પકડી માર મારતા સમગ્ર મામલે યુવતી પતિ તથા સસરા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.