અમદાવાદ: શહેરમાં (Ahmedabad news) વધુ એક હનીટ્રેપનો (Honeytrap in Ahmedabad) કિસ્સો સામે આવ્યો છે. એક યુવકને એક એપ્લિકેશનમાં એક યુવતીનો (married woman) મેસેજ આવતા તેણે વાતચીત શરૂ કરી અને બાદમાં મુલાકાત થવા લાગી હતી. બાદમાં એક દિવસ યુવતીએ તેનો પતિ સુરત જાય છે તમે આવો કહીને યુવકને બોલાવ્યો અને ઘરમાં બેડરૂમમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં બંધ ઘરમાંથી બે શખ્સો બહાર આવ્યા અને યુવકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી પાંચ લાખની માંગ કરી 2.70 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર બાબતને લઈને યુવકે ફરિયાદ આપતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સોશિયલ મીડિયા થકી યુવક અને યુવતી મળ્યા હતા
શહેરના આંબાવાડીમાં રહેતો 30 વર્ષીય યુવક અસારવામાં દુકાન ધરાવી વેપાર કરે છે. વિસેક દિવસ પહેલા આ યુવકને મોબાઇલ ફોનમાં કવેક-કવેક નામની એપ્લિકેશનમાં કવિતા નામની છોકરીનો મેસેજ આવ્યો હતો. બાદમાં કવિતા અને આ યુવક વચ્ચે વાતચીત થઈ હતી અને કવિતા સાથે આ યુવકને મિત્રતા થઈ હતી. બાદમાં એકબીજાને મોબાઈલ નંબરની આપ લે કરી Instagram તથા WhatsApp મારફતે આ યુવક કવિતા સાથે વાતો કરતો હતો. બારેક દિવસ પહેલા કવિતાએ આ યુવકને વોટ્સએપ ઉપર મેસેજ કરી તેના ઘરનું લોકેશન મોકલી આપ્યું હતું અને બાદમાં યુવકને ઘરે બોલાવ્યો હતો. જેથી યુવક આ કવિતાના ચાંદખેડા ખાતેના ઘરે ગયો હતો. જ્યાં તેની સાથે વાતચીત કરી કોફી પીને આ યુવક ત્યાંથી નીકળી ગયો હતો.
ત્યારબાદ થોડા દિવસ પછી કવિતાએ WhatsApp માં આ યુવકને જણાવ્યું કે, કાલે તમે મારા ઘરે આવી જાઓ મારા પતિ સુરત જતા રહ્યા છે. મારે તમારી સાથે વાતચીત કરવી છે. જેથી આ યુવક બપોરના સમયે કવિતાના ઘરે ગયો હતો. ત્યાં બેસી તેની સાથે વાત કરતો હતો. તે દરમિયાન કવિતા નામની આ યુવતી ઘરનો દરવાજો બંધ કરી આ યુવકને બેડરૂમમાં લઈ ગઈ હતી અને પોતાના કપડા ઉતારી યુવકનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. યુવક અને કવિતા વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.
શારીરિક સંબંધ બંધાયા બાદ ઘરનો દરવાજો બંધ હોવા છતાં અચાનક એક શખસ આવી ગયો હતો અને યુવક સાથે મારા મારી કરવા લાગ્યો હતો અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. ત્યારબાદ બીજો એક વ્યક્તિ પણ આવી ગયો હતો. જેણે પોતાની ઓળખ રમેશ તરીકે આપી પોતે વકીલ હોવાનું કહી માર મારવા લાગ્યો હતો. બાદમાં યુવકનો ફોન આ શખ્સોએ લઈ લીધો હતો અને રમેશે આ યુવકને કહ્યું કે, પાંચ લાખ રૂપિયા આપી દે નહીં તો બળાત્કારના કેસમાં ફસાવી દઈશું.
યુવકે પોતાની પાસે પાંચ લાખ રૂપિયા ન હોવાનું કહેતા રમેશની સાથે રહેલા અન્ય એક શખશે 70 હજાર રૂપિયા માંગી સેટલમેન્ટ કરાવી આપવાની ઓફર કરી હતી. જેથી યુવકે 70 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં શખ્સોએ આ યુવક પાસે બે લાખ રૂપિયા માગતા યુવકે બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. થોડા દિવસ પછી Instagram ઉપર આ યુવકને મેસેજ આવ્યો હતો કે "તું ડર મત તેરા પ્રુફ મેરે પાસ સેવ હે મેં વકીલ હું તું બાર બાર ક્યુ ડર રહા હૈ" તેવું કહી વધુ પૈસા માગતા યુવકે આ તેને બ્લોક કરી દીધો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કવિતા રમેશ અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.