અમદાવાદઃ સામાન્ય રીતે જ્યારે રોડ પરથી પસાર થઇએ ત્યારે કેટલાય લોકો લિફ્ટ માંગતા હોય છે. આ લિફ્ટ માંગનાર લોકોને મદદ કરવાના ચક્કરમાં કેટલાય લોકો ફસાઇ જતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના સોલા વિસ્તારમાં બની છે. એક યુવકને અજાણ્યા શખ્સે લિફ્ટ માંગતા તેણે મદદ કરી હતી. બાદમાં તે શખ્સ તેને અવાવરૂ જગ્યાએ લઇ ગયો જ્યાં અન્ય શખ્સોએ ભેગા મળી ગળે ચપ્પુ મૂકી ત્રણ હજારનું ડિજીટલ પેમેન્ટ કરાવી લૂંટી લીધો હતો. થોડા દિવસ બાદ ફરી આ યુવકને તે શખ્સો મળ્યા અને ફરી ચાર હજાર રૂપિયાનું ટ્રાન્સઝેક્શન કરાવી લૂંટી લીધો હતો. જે મામલે ફરિયાદ આપતા સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મુળ રાજસ્થાનનો અને હાલ અમદાવાદમાં ગોતા વિસ્તારમાં રહેતો 21 વર્ષીય યુવક ઉવારસદ ખાતેની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ગત 7 ફેબ્રુઆરીના રોજ તે તેનું વાહન લઇને વિશ્વકર્મા મંદિર ચાંદલોડિયા ખાતે ગયો હતો. ત્યાં મંદિર પાસે તે ઉભો હતો. ત્યારે એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો તેણે મારે થોડે આગળ સુધી જવું છે તો તું મને એક્ટિવા પર લઇ જઇ ઉતારી દે તેમ કહેતા યુવકે મદદ કરવાની તૈયારી બતાવી હતી.
યુવકે તેને એક્ટિવા ચલાવવા આપ્યું અને બાદમાં આ શખ્સ તે યુવકને વિશ્વકર્મા મંદિરથી થોડે દૂર અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. ત્યાં આ શખ્સ ઉતરી ગયો અને ત્યાં બીજા ત્રણ શખ્સો આવી ગયા હતા. આ યુવકને શખ્સો માર મારવા લાગ્યા અને તેનો ફોન કાઢી ગળા પર ચપ્પુ રાખી તારા ફોનનું લોક ખોલ અને એક નંબર આપુ તેમાં પૈસા ટ્રાન્સફર કર તેમ કહ્યુ હતું. યુવકના ફોનમાંથી પૈસા ટ્રાન્સફર ન થતાં યુવકે તેના મિત્ર પાસે ત્રણ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.
બાદમાં એક શખ્સ આ યુવકને ગોતા પાસે ઉતારી દીધો હતો. ફરીથી ગત શુક્રવારે આ યુવક સિલ્વર ઓક યુનિ. રોડ પર ચાલવા નીકળ્યો ત્યારે આ જ ચાર શખ્સો ફરી આવ્યા હતા. તેઓએ ક્યુઆર કોડ બતાવી યુવકને ચાર હજાર ટ્રાન્સફર કરવાનું કહેતા યુવકે ના પાડી દીધી હતી.
" isDesktop="true" id="1357638" >
જેથી તેને આ શખ્સોએ માર મારી ચાર હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં તેને ગોતા પાસે ઉતારી દેતા યુવક તેના રૂમે જઇને સુઇ ગયો હતો.
તેના મિત્રોને તેણે આ વાત કરતા તેણે આ મામલે સોલામાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.