Home /News /ahmedabad /અમદાવાદઃ 31મીની પાર્ટીઓ પહેલા દારૂના ભાવ વધ્યા, હોમ ડિલિવરી માટે ત્રણ ઘણા ભાવ

અમદાવાદઃ 31મીની પાર્ટીઓ પહેલા દારૂના ભાવ વધ્યા, હોમ ડિલિવરી માટે ત્રણ ઘણા ભાવ

બુટલેગરોએ પણ પોલીસની ધોંસથી કંટાળી ઉંચા ભાવે દારૂ વેચવાનું શરૂ કરી દીધું હોવાની ચર્ચા

Ahmedabad Crime: પોલીસની ધોંસ વધતાં બુટલેગરોએ 1200, 1500થી માંડી 3500ની કિંમતે દારૂની બોટલો વેચવાનું શરૂ કર્યું. હોમ ડિલિવરી માટે ત્રણ ઘણા ભાવ વસૂલાય છે.

અમદાવાદઃ 31 ડિસેમ્બરને લઇને શહેર પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. નવા વર્ષની ઉજવણીમાં છેડતીબાજ, નશાખોરો અને ડ્રગ્સની પાર્ટી પર તવાઇ બોલાવવામાં આવશે. તે માટે શહેર પોલીસે એક્શન પ્લાન ઘડી દીધો છે. પોલીસના આ એક્શન પ્લાન વચ્ચે હવે બુટલેગરોએ પણ પોલીસની ધોંસથી કંટાળી ઉંચા ભાવે દારૂ વેચવાનું શરૂ કરી દીધું હોવાની ચર્ચા છે. બુટલેગરોએ 1200, 1500થી માંડી 3500ની કિંમતે દારૂની બોટલો વેચવાનું શરૂ કર્યું છે. હોમ ડિલિવરી માટે ત્રણ ઘણા ભાવ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ વિસ્તારો પર પોલીસ રાખશે ખાસ વોચ

31મી ડિસેમ્બરની રાત્રે પશ્ચિમ કે પૂર્વ વિસ્તારોમાં પાર્ટીઓ યોજાશે, જેને લઇને પોલીસ સજ્જ રહેશે. પશ્ચિમ વિસ્તારમાં વાત કરીએ તો પોલીસે આઇડેન્ટીફાય કરેલા વિસ્તારમાં ખાસ ધ્યાન રખાશે. એક તો એસજી હાઇવેના પટ્ટા પર અને બીજો સીજી રોડ તથા સિંધુભવનની આસપાસનો વિસ્તાર, સાથે-સાથે કોઇ હાઇપ્રોફાઇલ દારૂ કે અન્ય નશાકારક પાર્ટી યોજાશે તો તેની પર પણ પોલીસ બાજ નજર રાખશે. ત્યારે પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં ભલે ડીજે પાર્ટી નથી યોજાતી પણ ત્યાં લોકો રોડ પર નીકળીને વાહનો લઇને ઉજવણી કરતા હોય છે. જેને લઇને પૂર્વની પોલીસે પણ પોતાનો એક્શન પ્લાન ઘડી નાખ્યો છે. સવારથી જ પોલીસ રોડ પર તહેનાત રહશે. પોલીસ સતત રાત સુધી પેટ્રોલિંગ કરશે. પોલીસે કેટલાક એવા સ્પોટ પણ આઇડેન્ટીફાઇ કર્યા છે જ્યાં રેવ પાર્ટી, દારૂની પાર્ટી અને ડ્રગ્સનું દુષણ હોય. આવી જગ્યાએ પોલીસ ખાસ ખાનગી વેશમાં વોચ રાખી કોઇપણ પ્રકારનું દુષણ ન થાય તે માટે અલગ-અલગ ટીમોને એલર્ટ રાખશે.

આ પણ વાંચો: 31 ડિસે.ની ડ્રગ્સ પાર્ટી રોકવા પોલીસનો એક્શન પ્લાન, હવે આ જગ્યાએ ખાસ વોચ

800માં મળતી દારૂની બોટલના 1200 રૂપિયા

આ સાથે જ તો આ વખતે સ્થાનિક પોલીસ તથા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમોએ એક બાદ એક મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરતા બુટલેગરો પણ થરથર કાંપી રહ્યા છે. લોકોને દારૂ પહોંચાડવા માટે બુટલેગરોએ ભાવ આસમાને કરી દીધા છે. સૂત્રોનું માનીએ તો 800 રૂપિયામાં મળતી દારૂની બોટલના 1200 રૂ., તો 1200 કે 1500 રૂપિયામાં મળતી દારૂની બોટલના 1800થી 2200 રૂપિયા, તો 2000 કે 2500માં મળતી સ્કોચ દારૂની બોટલના 3 હજારથી 3500 રૂ, 300 રૂપિયાની બિયરના 500થી 600 રૂપિયા ભાવ બુટલેગરો દારૂ સેવન કરનાર વ્યક્તિઓ પાસેથી વસુલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. હોમ ડિલિવરી માટે ત્રણ ગણો ભાવ હોવાનું પણ સામે આવ્યું છે. આ ભાવ અત્યારે દારૂ પીનાર લોકો બુટલેગરને આપી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો, લોકો હવે મહારાષ્ટ્ર કે રાજસ્થાનથી આવતી દારૂની બોટલોની જગ્યાએ સેમ્પલ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. સેમ્પલ એ બ્રાન્ડેડ દારૂ હોય છે. જે કોઇપણ બ્રાન્ડનો દારૂ એક કફસીરપ જેટલી સાઇઝની બોટલમાં અપાય છે અને તેમાં એક પેગ જેટલી માત્રા હોય છે. જેનો ભાવ 300 આસપાસ રહેલો છે. દારૂનું સેવન કરનાર લોકો પકડાય નહીં તે માટે ગોવા કે અન્ય જગ્યાએથી આવતા સેમ્પલ મંગાવી 31મી ડિસેમ્બરની પાર્ટીની તૈયારી કરી રહ્યા હોવાનું પણ પોલીસના ધ્યાને આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

પશ્ચિમ વિસ્તારમાં કુલ 40થી વધુ ટીમો તહેનાત રહેશે

આ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવાની સાથે પોલીસે દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ, શરીર સંબંધી ગુના, ચેઇન સ્નેચિંગ ન થાય તે માટે બાઇક પર પેટ્રોલિંગ, સોશિયલ મીડિયા દ્વારા પાર્ટીઓની માહિતી મેળવવી, હોટલ, ગેસ્ટ હાઉસ, સિનેમા, ભીડવાળા વિસ્તારોમાં ખાસ ચેકિંગ ની સાથે ચેકપોસ્ટ બનાવી વાહન ચેક કરવાનું કામ પોલીસે હાથમાં લીધું છે. આ વર્ષે પોલીસે કંઇક નવા પ્રકારની જ કામગીરી કરવાનો પ્લાન ઘડ્યો છે. વર્ષ 2022ના છેલ્લા દિવસે લોકો જ્યારે ઉજવણી કરતા હશે ત્યારે પોલીસ દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ પર તો ધ્યાન રાખશે જ સાથે સાથે અન્ય નશાકીય પાર્ટી થતી હશે તો તેની પર રેડ કરવા માટે ઉચ્ચ અધિકારીઓએ ટાર્ગેટ આપ્યો છે. સાથે-સાથે ક્યાં કેવા પ્રકારની પાર્ટીઓ યોજાવાની છે, તેના માટે પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. જેના માટે એક પોલીસ સ્ટેશનમાં 3 ટીમ બનાવવામાં આવી છે. આમ પશ્ચિમ વિસ્તારમાં કુલ 40થી વધુ ટીમો તહેનાત રહેશે. જે કોઇપણ પ્રકારના દુષણ પર વોચ રાખી કાર્યવાહી કરશે. હોટલ, સિનેમા, ભીડભાડવાળા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી પોલીસ નજર રાખશે અને સંવેદનશીલ વિસ્તારમાં કોઇ બનાવ ન બને તે માટે પણ પોલીસ વોચ રાખશે. અત્યારથી જ પોલીસ અનેક જગ્યાએ નાકાબંધી કરી વાહનો ચેક કરવાની કામગીરી કરી રહી છે. સાથે ડ્રગ્સના દુષણ પર પહોંચી વળવા જૂના પેડલરો કે હાલ સક્રિય થયેલા પેડલરો પર ખાસ વોચ રાખવા પોલીસ સજ્જ બની છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો