Ahmedabad Municipal Corporation: 1200 કરોડ રુપિયાના ખર્ચે કેનાલના નવીનીકરણની વાતો કાગળ પર જ રહી હોવાનો આરોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષે લગાવ્યો છે. એએમસી વિપક્ષે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કરતા એએમસીની સામાન્ય સભાની બેઠકમાં હોબાળો મચી ગયો હતો. બેઠક દરમિયાન બંને પક્ષના સભ્યોએ સામ સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ લગાવ્યા હતા.
અમદાવાદ: શહેરના પુર્વ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલને વિકસાવવાનું આયોજન છેલ્લા 17 વર્ષથી થઈ રહ્યું છે. 1200 કરોડ રુપિયાના ખર્ચે કેનાલના નવીનીકરણની વાતો કાગળ પર જ રહી હોવાનો આરોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષે લગાવ્યો છે. એટલુ જ નહિ આ ઉપરાંત વિવિધ મુદ્દાઓ પર પણ એએમસી વિપક્ષે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કરતા એએમસીની સામાન્ય સભાની બેઠકમાં હોબાળો મચી ગયો હતો. બેઠક દરમિયાન બંને પક્ષના સભ્યોએ સામ સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ લગાવ્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા બેઠક હોબાળો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા બેઠક હોબાળા મય બની રહી હતી. તેનું કારણ એએમસીના વિપક્ષમાં બેઠેલ કોંગ્રેસે લગાવેલા કેટલાક આક્ષેપો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શેહજાદ ખાન પઠાણે બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વોર્ડ વિભાજન કરી નવા વિસ્તારો કોર્પોરેશનમાં ભેળવવામાં તો આવે છે, પરંતુ નવા વિસ્તારોના નાગરીકોને સુવિધાઓ મળતી નથી. બોપલ ઘુમા વિસ્તારમાં સત્તા પક્ષ કોઈનું સાંભળતું નહિ હોવાનો આક્ષેપ તેમજ કોર્પોરેશનના અધિકારીઓની આળસ જતી નહિ હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
આ ઉપરાંત અમદાવાદના પુર્વ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલના નવીનીકરણનો મુદ્દો પણ બેઠકમાં જોરશોરથી ઉછળ્યો હતો. ખારીકટ કેનાલના 1200 કરોડના ખર્ચે નવીનીકરણની વાતો માત્ર કાગળ પર રહી ગઈ હોવાનો આક્ષેપો કર્યા હતા. શેહજાદખાન પઠાણે કહ્યું હતું કે, તેને વિકસાવવાનું પ્લાનિંગ 17 વર્ષથી ચાલી રહ્યું છે. આ ઉપરાંત સામાન્ય સભામાં મંદિર મસ્જિદનો મુદ્દો પણ ચર્ચાયો હતો. જેમાં કોર્પોરેશનમાં ભાજપના રાજમાં અમદાવાદમાં 14 મંદિર શહેરમાં તોડી પાડવામાં આવ્યો હોવાનો આરોપ પણ વિપક્ષે લગાવ્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું કે હિન્દુત્વના નામે વોટ માગવામાં આવે છે, પણ મંદિરની માવજત કરવામાં આવતી નથી.
બીજીતરફ જાશપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર મામલે એએમસીના સત્તાપક્ષના વોટર કમીટીના ચેરમેને કરેલી ફરિયાદનો મુદ્દો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જેમાં વિપક્ષે જાશપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 100 કરોડનો ભ્રષ્ટાચાર થયો તે બાબતને શર્મજનક ગણાવી હતી. બીજી તરફ સ્વચ્છતાના મુદ્દે પણ ભારે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ભાજપ શાસન હોવાથી અમદાવાદને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો હોવાનો પણ વિપક્ષે આરોપ લગાવ્યો હતો. સફાઈના નામે કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી છતા એવોર્ડ કેવી રીતે મળ્યો. 17 વર્ષથી પીરાણા ડમ્પ સાઈટ પરથી કચરો હટ્યો નથી. આમ, વિપક્ષ દ્વારા અનેક આરોપો લગાવામાં આવ્યા હતો.