અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં કથા સાંભળવા જવું દેરાણી જેઠાણીને ભારે પડ્યું છે. પ્રવચન પૂરું થતાં ધરે જઇ રહેલ વૃદ્ધાને અચાનક જ જાણ થઇ કે તેમણે પહેરેલી ચેઇન ગાયબ છે. જોકે, તેમની સાથે રહેલા તેમના જેઠાણીએ પણ ગળામાં તપાસ કરતાં તેમની પણ ચેઇન ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. કોઇ ગઠિયાએ ભીડનો લાભ લઇને બંન્નેની ચેઇન તોડી ફરાર થઇ ગયા હોવાની આશંકા છે.
એકાએક ગળામાં હાથ ફેરવતા સોનાની ચેઇન ગાયબ હતી
નવરંગપુરા વિસ્તારમાં રહેતા સુશીલાબેન મહેતાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, ગુરુવારે સવારે દસેક વાગ્યાની આસપાસ તેઓ તેમના જેઠાણી સાથે શાહીબાગ ઓસવાલ ભવનની સામે આવેલ ખુલ્લા મેદાનના મંડપમાં કથાનું પ્રવચન હોવાથી પ્રવચન સાંભળવા માટે ગયા હતાં. બપોરે બાર વાગ્યાની આસપાસ પ્રવચન પૂરું થયા બાદ ઘરે જવા માટે નીકળ્યા હતાં. ચાલતા ચાલતા મેદાનના મંડપના ગેટ પાસે આવ્યા ત્યારે એકાએક તેમણે ગળામાં હાથ ફેરવતા ત્રણ તોલાની સોનાની ચેઇન જણાઇ આવી નહોતી.
આ દરમિયાન તેમના જેઠાણીએ પણ તેમના ગળામાં તપાસ કરતા તેમની પણ ત્રણ તોલાની ચેઇન ગાયબ હતી. જેની કિંમત રૂપિયા 2 લાખ 40 હજાર આંકવામાં આવી રહી છે. બંન્નેએ આજુબાજુમાં પ્રવચન સાંભળવા માટે આવેલા લોકોને આ બાબતએ પૂછપરછ કરતાં અને શોધખોળ કરતા ચેઇન મળી આવી ન હતી. જે અંગેની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી.
ભીડનો લાભ લઇને કોઇ ગઠિયો બંન્ને દેરાણી જેઠાણીની ચેઇન નજર ચૂકવી તોડીને ફરાર થઇ હોવાની આશંકા છે. હાલમાં પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.