અમદાવાદઃ કાંકરિયાના કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયમાં એશિયાઈ સિંહનું મૃત્યુ થયું છે. છેલ્લાં 15 દિવસથી બિમાર સિંહ વૃદ્ધાવસ્થાને કારણે શારીરિક નબળાઈનો ભોગ બનતા તેની સઘન સારસંભાળ ચાલુ કરી હતી. ત્યારે અચાનક 27 ફેબ્રુઆરી 2023 રાતના 1.30 કલાકે કુદરતી મૃત્યુ થતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃત્યુ પામેલા સિંહનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે આણંદ વેટરનરી કોલેજ મોકલવામાં આવ્યો હતો. જ્યાં આણંદ વેટરનરી કોલેજના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એશિયાટીક નર અંબરનું મૃત્યુ વૃદ્ધાવસ્થાને કારણે જ થયું હોવાનું પુરવાર થયું છે.
અંબર કેટલાં સમય પહેલાં કાંકરિયામાં આવ્યો હતો?
રિક્રિએશન કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન રાજુ દવેના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ મહાનગરપાલિકા હસ્તક કાંકરિયા કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલય ખાતે એશિયાટીક સિંહને 26 નવેમ્બર 2008ના રોજ લાવવામાં આવ્યો હતો. હાલમાં તેની ઉંમર 18 વર્ષ જેટલી હતી જે છેલ્લાં 15 દિવસથી બીમાર હતો. સામાન્ય રીતે એશિયાટીક સિંહનું બંધનવસ્થામાં સરેરાશ આયુષ્ય 15થી 16 વર્ષનું હોય છે.
પોસ્ટમોટર્મ બાદ અંતિમ સંસ્કાર
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીના નીતિ નિયમ મુજબ વન ખાતાના અધિકારી અને પંચોની હાજરીમાં મૃત એશિયાટિક સિંહના તમામ અવયવો જેવા કે નખ, ચામડી અને સંપૂર્ણ શરીરનો અગ્નિસંસ્કાર કરી તેની રાખને ઉંડા ખાડામાં દાટીને સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. હાલમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં કુલ 2006 વન્ય પ્રાણી પક્ષીઓ રાખવામાં આવેલાં છે. તેમાં એશિયાટીક સિંહ નર 1 અને માદા 2, વાઘ નર 1 અને માદા 2 સફેદ વાઘણ, 1 દિપડો, એક જોડી હિપ્પોપોટેમસ, હાથણી 1, ઝરખ માદા 1 અને રિંછ 1 તથા 16 શિયાળ છે. મૃત્યુ પામેલાં સિંહનો મૃત્યુદેહ પોસ્ટમોર્ટમ માટે આણંદ વેટરનરી કોલેજ ખાતે મોકલવામાં આવ્યો હતો. જ્યાં આણંદ વેટરનરી કોલેજના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એશિયાટીક નર અંબરનું મૃત્યુ વૃદ્ધાવસ્થાને કારણે જ થયું હોવાનું પૂરવાર થયું છે.