Home /News /ahmedabad /Fraud With Jeweller: સોનીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, અજાણ્યા વ્યક્તિનો એક ફોન ભારે પડ્યો, 29 લાખનો ચુનો લાગ્યો

Fraud With Jeweller: સોનીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, અજાણ્યા વ્યક્તિનો એક ફોન ભારે પડ્યો, 29 લાખનો ચુનો લાગ્યો

વેપારીએ દુકાને જઇને જોયું તો તેમાંથી 29.88 લાખની નકલી નોટો હતી.

Fraud with jeweller: સોનીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો. અજાણ્યા વ્યક્તિનો એક ફોન ભારે પડ્યો,આરોપીએ 30 લાખ ભરેલો થેલો આપ્યો, શેઠે દુકાને પૈસા તપાસતા નકલી નોટો નીકળી

અમદાવાદઃ સોની વેપારીઓએ ખાસ ચેતવું પડે તેવો કિસ્સો અમદાવાદ શહેર પોલીસના ચોપડે નોંધાયો છે. એક બુલિયનના વેપારીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેણે 500 ગ્રામ સોનું માંગતા વેપારીએ સારો વેપાર થશે તેમ માની તેની સાથે ડિલ નક્કી કરી હતી. બાદમાં વેપારીએ તેના કારીગરને સોનું આપવા અને પૈસા લેવા મોકલ્યો હતો. આ ગઠિયાએ 400 ગ્રામ સોનું લઇ 30 લાખ ભરેલો થેલો આપ્યો હતો. બાદમાં વેપારીએ દુકાને જઇને જોયું તો તેમાંથી 29.88 લાખની નકલી નોટો હતી. સમગ્ર બાબતને લઇને વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અજાણ્યા વ્યક્તિનો એક ફોન ભારે પડ્યો

નિકોલમાં રહેતા નૈનારામ ઘાંચી માણેકચોક ખાતે આવેલા બંધારાના ખાંચાની સામે મધુસુદન કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપ૨ એન.જી. બુલિયન નામની દુકાન ધરાવી સોનાના બુલિયનનો છેલ્લા પાંચેક વર્ષથી વેપાર ધંધો કરે છે.  ગત 25 જાન્યુઆરીના રોજ સવારે તેઓ દુકાને હાજર હતા ત્યારે એક અજાણ્યા મોબાઇલ ફોન નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર અજાણ્યા શખ્સે નૈનારામની સાથે રાજસ્થાની મારવાડી ભાષામાં વાત કરી જણાવ્યું કે, નાકોડા બુલિયનમાંથી બોલું છું, તેમ કહી સોનાનો ભાવ પુછેલ અને પોતાને 500 ગ્રામ સોનુ ખરીદવું છે, તેમ જણાવી નૈનારામ સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ હાઇવે પર અકસ્માત: NRIને એરપોર્ટ પર મૂકવા જતાં કારમાં સવાર 4નાં મોત

સારો ધંધો થશે તેવું વિચારી વેપારીએ સોનાની ડિલિવરી આપી

બાદમાં આ શખ્સે નૈનારામ પાસેથી એક કિલો સોનું ખરીદવાની વાત કરી હતી. જેથી નૈનારામે તેને રોકડા પૈસા આપવાની વાત કરી અને સોનું આવતીકાલે સાંજે મળશે તેમ જણાવ્યું હતું. જેથી આ અજાણ્યા શખ્સે નૈનારામને જણાવ્યું કે, તમે મને આજે 500 ગ્રામ સોનું કરી આપો હું તમને રોકડા પૈસા આપી દઇશ. રોકડા 30 લાખ આપવાનું કહી કોઇપણ હિસાબે 400 ગ્રામ સોનું કરી આપો અને બાકીનું 100 ગ્રામ સોનું આવતીકાલે નાકોડા બુલિયન ખાતે મોકલી આપજો, તેમ આ શખ્સે કહ્યું હતું. આ શખ્સે બાદમાં વેપારી નૈનારામને આપણે આ પહેલીવાર જ વેપાર કરીએ છીએ મારે મુંબઇમાં અને બીજી જગ્યાએ બહુ મોટું કામકાજ છે. હું તમને બીજા પણ ઓર્ડર આપીશ, તેમ જણાવી નૈનારામને વિશ્વાસમાં લીધા હતા. જેથી નૈનારામએ સારો વેપાર ધંધો થશે તેવું વિચારી સાંજના આશરે પાંચેક વાગ્યાની આસપાસ આ શખ્સને ફોન કરી તમારી ડિલિવરી તૈયાર છે, તમે મારી દુકાને આવીને ડિલિવરી લઇ જાઓ તેમ કહ્યું હતું.

ત્યારે આ શખ્સે  નૈનારામને કહ્યું કે, માણેકચોકમાં ખૂબ જ વાહનોની ભીડ હોય છે અને તેને પગમાં વાગ્યુ છે. જેથી તે ફોર વ્હિલર ગાડીમાં આવે છે. પરંતુ ગાડી માણેકચોકમાં આવી શકશે નહીં, જેથી ઢાળની પોળ ખાતે આવીને ડીલીવરી આપી જાઓ, તેમ કહેતાં નૈનારામએ તેમની દુકાનમાં કામ કરતા મારા કારીગર નયનને 400 ગ્રામ સોનું કે જેમાં 100 ગ્રામ વજનના કુલ ચાર બિસ્કીટ જેમાં ત્રણ બિસ્કીટ હતા તે 23.16 લાખની મત્તાનું સોનું આપી અને તેના બદલામાં લેવાના થતા રૂપિયા તથા બાકીનું 100 ગ્રામ સોનું જે બીજા દિવસે આપવાનું હતું તે મળીને કુલ રૂપિયા 28.95 લાખની ચીઠ્ઠી આપીને ઢાળની પોળ ખાતે મોકલી આપ્યો હતો.

થેલામાંથી નીકળી નકલી નોટો

કારીગર ત્યાં પહોંચ્યો ત્યારે આ શખ્સ ગાડી લઇને ઉભો હતો અને ગાડીમાં આ કારીગરને બેસાડી 400 ગ્રામ સોનું લઇ અને તેના બદલામાં એક થેલામાં 30 લાખ ભરીને આપ્યા હતા. જે નોટોના બંડલો જોઇ થેલો લઇ કારીગર નયન બારોટ પરત દુકાને આવી ગયો હતો. નૈનારામએ નોટોના બંડલ ભરેલો થેલો ખોલી જોતા નોટોના બંડલોની ઉપર અને નીચે એક એક 500 રૂપિયાના દરની ભારતીય ચલણની અસલ નોટ હતી અને તેની વચ્ચે ગોઠવેલ અમુક નોટો ઉપર હિન્દીમાં હેન્ડલુમ ઓફ ઇન્ડીયા અને અમુક નોટો ઉપર અંગ્રેજીમાં હેન્ડલૂમ લખેલી નોટો ગોઠવી હતી. આ તમામ ચલણી નોટો ખોટી હોવાથી નૈનારામ ગભરાઇ ગયા હતા તે શખ્સને ફોન કરતાં તેણે ફોન ઉપાડતા નૈનારામએ તેને કહેલ કે શેઠ તમે મને ખોટી નોટો આપેલ છે. હું નાનો વેપારી છું. હું બરબાદ થઇ જઇશ.

નૈનારામએ આ શખ્સને આ વાત કરતા જ તેણે ફોન કાપી નાખ્યો હતો. નૈનારામએ વાંવાર ફોન કરતા શખ્સે ફોન ઉપાડવાનું બંધ કરી દીધં હતું. જેથી આખરે નૈનારામએ આ અંગે ખાડિયા પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन