અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ (Woman files complaint against in-laws) નોંધાવી છે. આ મહિલાના પતિનું કોરોના (Coronavirus)માં મૃત્યુ થયા બાદ સાસરિયાઓ તેણીને ત્રાસ આપતા હતા. મહિલાના પતિને જ્યારે કોરોનાની સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવ્યા હતા ત્યારે તેનું જે બીલ થયું હતું તે રકમ આ મહિલા પિયરમાંથી લઈ આવે તેવી માંગણી સાસરિયાના લોકો કરી રહ્યા હતા. સાસરિયાના લોકો બિલની રકમની અવારનવાર માંગણી કરી પરિણીતાને ત્રાસ (Harassment) આપતા હતા. મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
મણિનગર પૂર્વમાં રહેતા 41 વર્ષીય મહિલાના વર્ષ 2001માં લગ્ન થયા હતા. હાલ તેઓ તેમના પિયરમાં પુત્રી સાથે રહે છે. તેમના પતિ મહેસાણા દૂધસાગર ડેરીમાં નોકરી કરતા હતા. મે માસમાં તેમના પતિનું કોરોનાને કારણે અવસાન થયું હતું. પતિના મૃત્યુ બાદ સાસરિયાઓએ રંગ બતાવવાનું શરૂ કર્યું હતું.
સાસુ, સસરા, દિયર, દેરાણી અને નણંદ તથા માસીજીના પુત્ર અવારનવાર મહિલાને ત્રાસ આપતા હતા. મહિલાના પતિને કોરોનાની સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા હતા, જેનું બિલ ચૂકવ્યા બાદ પૈસા પિયરમાંથી લઈ આવવા દબાણ કરતા હતા. એટલું જ નહીં, ઘરમાંથી કાઢી મૂકવાનું કહીને મિલકતમાં ભાગ ન આપવાનું કહી ત્રાસ આપતા હતા. તમામ લોકો મહિલા જ્યાં સુધી પિયરમાંથી પૈસા નહીં લાવે ત્યાં સુધી ઘરમાં ન રહેવા દેવાનું કહી ત્રાસ આપતા હતા.
પરિણીતાના સાસરિયાઓએ સતત ત્રાસ આપી પૈસા ન લાવે તો પિયરમાં રહેવા જતા રહેવાનું કહેતા મહિલા પિયરમાં રહેવા લાગી હતી. બીજી તરફ મહિલાના પતિનું મૃત્યુ થયા બાદ તેણે દૂધસાગર ડેરીમાં નોકરી મેળવવા માટે અરજી કરી હતી. જોકે, સાસરિયાઓએ મહિલાને નોકરી ન મળે તેવી અરજી કરી હતી. આમ સાસરિયાઓએ પરિણીતાને અલગ અલગ પ્રકારે ત્રાસ આપતા આખરે પરિણીતાએ ખોખરા પોલીસ સ્ટેશન (Khokhra police station)માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે મહિલા પર અત્યાચારના દરરોજ અનેક કેસ પોલીસ ચોપડે નોંધાતા રહે છે. જોકે, આ કેસ અલગ જ પ્રકારનો છે. મહિલાઓ સાથે મારપીટ, દહેજ લાવવા માટે દબાણ કરવાથી લઈને અનેક પ્રકારના અત્યાચારના કેસ દરરોજ પોલીસ ચોપડે નોંધાતા રહે છે. અનેક કિસ્સાઓમાં મહિલાઓ હારીને જીવન ટૂંકાવી લેવા જેવું પગલું પણ ભરી લેતી હોય છે.