અમદાવાદ: 21મી સદીના ટેકનોલોજીના યુગમાં પણ આજે ઘણા એવા લોકો છે જે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિમાં વિશ્વાસ રાખી રહ્યા છે. જેના કારણે ઘણી જીંદગીઓ હોમાઇ ગઇ છે. બે દિવસ પહેલા વલસાડમાં રૂપિયાનો વરસાદ થશે અને અસીમ શક્તિઓ મળશે તેવું માનીને 9 વર્ષની માસુમ દીકરીની બલી ચઢાવી દેવાની ઘટનાની સાહી હજુ સુકાઇ નથી. ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં સાસરીયાને બરબાદ કરવા ઇરાદે તાંત્રિક વિધિના રવાડે ચઢેલી એક પુત્રવધુનુ માની શકાય નહી તેવુ કારસ્તાન સામે આવ્યુ છે. પુત્રવધુએ સાસરીમાં કરેલી તાંત્રિક વિધિની પોલ સીસીટીવી ફુટેજે ખોલી દેતા અંતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે.
જુલાઇ મહિનામાં પુત્રવધુએ તાંત્રિક વિધિના કારનામાં કર્યા હતા. જેમાં કોર્ટના આદેશ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. મોટેરા વિસ્તારમાં આવેલા હરગોવીન પાર્ક સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇના લગ્ન નારણપુરા વિસ્તારમાં આવેલી સ્વામીનારાયણ એવન્યુમાં રહેતી નિષ્ઢા સાથે વર્ષ 2015માં સમાજીક રીતરીવાજ મુજબ થયા હતા. બે વર્ષના લગ્ન જીવનમાં નિષ્ઢા અને પ્રવિણ વચ્ચે મનમેળ નહી આવતા બન્ને અલગ થઇ ગયા હતા. નિષ્ઠાએ પ્રવિણ તેમજ તેના માતા પિતા વિરૂદ્ધ કોર્ટમાં અનેક વખત ફરિયાદ કરી હતી. જે કેસો હાલ ચાલી રહ્યા છે. 23 જુલાઇ 2022ના રોજ પ્રવિણ અને તેનો પરિવાર ઉઠ્યો ત્યારે તેમણે ઘરની બહાર જોયુ તો તાંત્રિક વિધિનો સામાન પડ્યો હતો. જેના ઉપર પ્રવિણના નાના ભાઇનો ફોટોગ્રાફ હતો. વાળના ગુચ્છા ઉપર પ્રવિણના ભાઇનો ફોટોગ્રાફ્સ હતો તેમજ લીંબુ, કંકુ, અગરબત્તી અને ચપ્પુ પડ્યુ હતું.
આ ઘટના જોતાની સાથે જ પ્રવિણ અને તેનો પરિવાર આધાતામાં આવી ગયો હતો અને તાત્કાલીક સોસાયટીના ચેરમેનને નોટિસ આપીને સીસીટીવી ફુટેજની માંગ કરી હતી. સીસીટીવી ફુટેજ સામે આવતાની સાથે જ પ્રવિણ અને તેના પરિવારનાં પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. કારણકે તાંત્રિક વિધિ કરનાર બીજું કોઇ નહી પરંતુ પ્રવિણની પત્નિ નિષ્ઢા હતી. નિષ્ઢા મોડીરાતે કોઇ યુવક સાથે કારમાં આવી હતી અને મોઢા પર દુપ્પટો બાંધીને તાંત્રિક વિધિ કરીને જતી રહી હતી. પ્રવિણની માતા અછૂતુની શારદાશ્રીએ 23 જુલાઇના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.
ફરિયાદ આપી છતાંય પોલીસે ગુનો દાખલ કર્યો નહી જેથી તેમણે પોલીસ કમીશ્નર સંજય શ્રીવાસ્તવને બે વખત ફરીયાદ કરી હતી. પોલીસ કમીશ્નર સંજય શ્રીવાસ્તવે પણ ગુનો દાખલ કરવાનો આદેશ નહી આપતા અંતે અછૂતુની શારદાશ્રીએ ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ કરી હતી. સીસીટીવી ફુટેજ તેમજ પુરાવા હોવા છતાંય પોલીસે ગુનો દાખલ નહી કરતા અંતે ગાંધીનગર કોર્ટ દ્વારા સીઆરપીસી 156(3) મુજબ ગુનો દાખલ કરવા માટેનો આદેશ કર્યો હતો. કોર્ટે આદેશ કર્યા બાદ ગઇકાલે ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. નિષ્ઠા કોની સાથે કારમાં આવી, કોના કહેવાથી તેણે તાંત્રિક વિધી કરી તે તમામ મુદ્દા તપાસના હોવાથી કોર્ટે ચાંદખેડા પોલીસને તપાસ કરવાના આદેશ આપ્યા છે.
મોઢા પર દુપ્પટો બાંધીને રાતે દોઢ વાગે તાંત્રિક વિધિ કરવા આવી નિષ્ઠા તેના ઘરેથી મોડીરાતે કોઇ અજાણ્યા શખ્સ સાથે કારમાં નીકળી હતી અને દોઢ વાગ્યાની આસપાસ મોટેરા ખાતે પહોંચી હતી. નિષ્ઠાએ મોઢા પર દુપ્પટો બાંધ્યો હતો અને ચુપચાપ સોસાયટીમાં આવી ગઇ હતી. જ્યા તેણે તાંત્રિક વિધિ કરીને નીકળી ગઇ હતી. કોષ્ઢીએ ધરની પાળી પર વાળનો ગુચ્છો મુક્યો હતો જેના ઉપર દિયરનો ફોટોગ્રાફ્સ મુકીને કંકુનુ પાણી ઢોળ્યુ હતું. આ સિવાય લીંબુ, ચપ્પુ તેમજ બટાકાની ચીરી મુકીને અગરબત્તી કરી હતી.