અમદાવાદ: જે વિદ્યાર્થીઓએ બી ટેક, એરોનોટિક્સ, સ્પેસ સાયન્સ જેવા ટેકનીકલ વિષયોનો અભ્યાસ કરવો છે કે પછી ફાર્મસીમાં અભ્યાસ કરવો છે, તો તેઓ માટે મહત્વના સમાચાર છે. આ કોર્ષ હવે ગુજરાત યુનિવર્સીટીમાં પણ થઈ શકશે. જી હા, ગુજરાત યુનિવર્સિટી ફાર્મસી અને ટેકનીકલ કોર્ષ શરુ કરવા જઈ રહી છે. જે માટે વર્ષ 2023ના આગામી શૈક્ષણિક સત્રથી બંને બ્રાન્ચમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આગામી શૈક્ષણિક સત્રથી પ્રવેશ પ્રક્રિયા શરુ કરશે
જે વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ફિલ્ડમાં વધુ ઈન્ટરેસ્ટ છે અને તેના કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ટેકનોલોજીકલ યુનિવર્સિટીઓ પર મદાર રાખવો પડતો હોય છે, પરંતુ હવે આ પ્રકારના ટેકનીકલ કોર્ષ અને ફાર્મસીને લગતા અભ્યાસક્રમો ગુજરાત યુનિવર્સિટીમાં શરુ થવા જઈ રહ્યા છે. ફાર્મસી અને ટેકનોલોજીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમો ગુજરાત યુનિવર્સીટી શરુ કરવા જઈ રહી છે. જે માટે આગામી શૈક્ષણિક સત્રથી પ્રવેશ પ્રક્રિયા પણ શરુ કરશે.
આ કોર્ષમાં બીટેક, એરોનોટીક્સ, સ્પેસ સાયન્સ, રેડિયેશન સાયન્સ, ઓરોઝન ટેકનોલોજી કોર્ષ શરુ કરવામાં આવશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, નેશનલ એજ્યુકેશન પોલિસીના ભાગરુપે દરેક શૈક્ષણિક સંસ્થાઓ એકેડેમીક બેન્ક ઓફ ક્રેડિટનો ઉપયોગ કરીને પોતાના સંસ્થાનોમાં અલગ-અલગ અભ્યાસક્રમો આપશે. ગુજરાત યુનિવર્સિટી છેલ્લા 70 વર્ષથી અલગ-અલગ વિદ્યાશાખામાં પ્રવેશ પ્રક્રિયા કરતી હતી. ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24થી ફાર્મસી અને ટેકનોલોજી આ બંને વિદ્યાશાખાના અભ્યાસક્રમ શરુ થશે. ફાર્મસીમાં એમએસસી અને એમટેકના કોર્ષ આપવામાં આવશે. તેની સાથે બીએસસી અને બીટેકના કોર્ષ પણ શરુ થશે. તેની સાથે બીટેક અને એમટેકમાં સ્પેશિયલાઈઝ કોર્ષ એવિએશન અને એરોનોટીક્સ જે આતંરરાષ્ટ્રીય માપદંડો ધરાવે છે, તેવા કોર્ષ શરુ કરવામાં આવશે.
મહત્વનું છે કે, આવનારા દિવસોમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં કારકિર્દીની દિશાઓ ખુલવાની છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં શરુ થઈ રહેલા એરોનોટિક્સ અને એવિએશનના આ કોર્ષ વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપયોગી સાબિત થશે.