પાંચ વર્ષમાં જ હાટકેશ્વર બ્રિજની હાલત બેહાલ થઈ ગઈ હતી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બનાવવામાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ એટલે કે હાટકેશ્વર મુદ્દે પહેલીવાર અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ. થેન્નારસને મૌન તોડ્યું છે.
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં બનાવવામાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ એટલે કે હાટકેશ્વર મુદ્દે પહેલીવાર અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ. થેન્નારસને મૌન તોડ્યું છે. તેમણે આ મામલે મોટું નિવેદન આપ્યું છે.
આ મામલે AMC કમિશનર એમ. થેન્નારસને જણાવ્યુ હતુ કે, ‘હાટકેશ્વર બ્રિજ મુદ્દે તપાસ ચાલી રહી છે. અંતિમ તબક્કામાં તપાસ ચાલે છે. ટૂંક સમયમાં આખરી નિર્ણય આવી જશે. બ્રિજ રિપેર કરવો કે તોડવો એ તમામ રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવશે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ રિપોર્ટમાં અલગ અલગ તારણ બહાર આવ્યાં છે. રૂરકી આઇઆઇટીનો પ્રથામિક રિપોર્ટ આવ્યો છે. પરંતુ હજુ ફાઇનલ રિપોર્ટ આવ્યો નથી. અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરાયેલા તપાસમાં કોઇ યોગ્ય નિષ્કર્ષ નીકળ્યો નથી. હજુ બ્રિજના પિલ્લરના રિપોર્ટ આવવાના બાકી છે. તમામ રિપોર્ટનો અભ્યાસ અને અભિપ્રાય લીધા બાદ આખરી નિર્ણય કરવામાં આવશે. એક અઠવાડિયામાં નિર્ણય લઈ લેવામાં આવશે.’
વધુમાં એએમસી કમિશનર એમ, થેન્નારસને જણાવ્યુ હતુ કે, ‘રિપોર્ટને આધારે યોગ્ય કાર્યવાહી એએમસી તંત્ર કરશે. કમિશનર તરીકે હું ખાતરી આપી રહ્યો છું કે બ્રિજ મુદ્દે કોઇપણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઇ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.’
શું હતો મામલો?
નોંધનીય છે કે, હાટકેશ્વર બ્રિજ બન્યાને માંડ પાંચ વર્ષ થયા છે ત્યાં ઠેરઠેર મોટા મોટા ગાબડા પડી ગયા હતા. હાલ બ્રિજને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વર્ષ 2021થી સતત બ્રિજ પર ગાબડાંઓ પડતા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા સમયાંતરે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવતું હતું. ત્યારે હવે આ બ્રિજ સત્તાપક્ષ માટે વિવાદ બની ગયો છે. હાટકેશ્વર બ્રિજ મુદ્દે હાલના પ્રથામિક તપાસમાં બ્રિજમાં ઉપયોગ થયેલા કોંક્રિટ ઉપર સવાલ ઉભો થયો છે. જે ગુણવતાનો ઉપયોગ કરવાનો હતો તે કરાયો ન હોવાનું સામે આવ્યું છે.