Ahmedabad rape case: ભોગ બનનાર યુવતીને ગાડી પસંદ આવતા આરોપીએ તેણીને ગાડી લઈ અપાવવાનું કહીને ચાર લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. તેમજ યુવતીના ઘરે અવારનવાર રોકાઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા.
અમદાવાદ: શહેરના ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરનાર જિમ ટ્રેનર સામે ફરિયાદ નોંધાઈ છે. પતિ સાથે મનમેળ ન થતા યુવતીએ યુવકને પોતાનો જીવનસાથી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રેમીએ દગો આપતા યુવતીને અંતે નિષ્ફળતા મળી હતી. ચાંદખેડ પોલીસે (Chandkheda police) આ મામલે ક્રિષ્ના જોશી (Krishna Joshi) નામના યુવકની ધરપકડ કરી છે.
કેસની વધુ વિગત જોઈએ તો મૂળ હિંમતનગરના રહેવાસી આ આરોપીએ અમદાવાદની યુવતીને લગ્નની લાલચ આપી અમદાવાદ અને માઉન્ટ આબુ (Mount Abu) સહિતની જગ્યાઓ પર અલગ અલગ સમયે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ચાંદખેડા વિસ્તારમાં એકલવાયું જીવન વિતાવતી 30 વર્ષીય યુવતીને પહેલા લગ્ન વર્ષ 2019માં થયા હતા. મનમેળ ન થતા યુવતીએ પતિ સાથે છૂટાછેડા લીધા હતા. બાદમાં યુવતી પોતાની મિત્ર સાથે રહેતી હતી. યુવતી ઉદયપુર ખાતે જન્મદિવસની પાર્ટીમાં ગઈ હતી ત્યારે તેની મિત્રએ ક્રિષ્ના જોશી સાથે તેણીનો પરિચય કરાવ્યો હતો.
અનેક વખત દુષ્કર્મ આચર્યું
જે બાદ સોશિયલ મીડિયા ઉપર ક્રિષ્ના અને ભોગ બનનાર યુવતી વચ્ચે અવારનવાર ચેટિંગ થતું હતું. જે બાદમાં આરોપીએ યુવતીને પોતાની પ્રેમજાળ ફસાવી હતી અને ઘર તેમજ બહાર એમ અનેક જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું.
આ દરમિયાન ભોગ બનનાર યુવતીને ગાડી પસંદ આવતા આરોપીએ તેણીને ગાડી લઈ અપાવવાનું કહીને ચાર લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. તેમજ યુવતીના ઘરે અવારનવાર રોકાઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા. થોડા દિવસ પહેલા યુવતીએ પ્રેમી ક્રિષ્ના જોશીનો ફોન ચેક કરતા તેમાં આરોપીના અન્ય યુવતીઓ સાથે પણ અનૈતિક સંબંધ હોવાનું ખુલ્યું હતું. યુવતીએ વધુ તપાસ કરતા પ્રેમીના લગ્ન અન્ય એક યુવતી સાથે થઇ ગયા હોવાની જાણ થઈ હતી. જે મામલે બંને વચ્ચે ઝઘડો થતા આરોપીએ યુવતીને બ્લોક કરી વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.
પ્રેમીએ દગો આપ્યો હોવાનું યુવતીને ધ્યાન આવતા તેણીએ આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસની તપાસમાં આરોપી જિમ ટ્રેનર હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપીએ યુવતીને જે જગ્યા ઉપર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું તે તમામ જગ્યાઓ પરથી પુરાવાઓ એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર