અમદાવાદ: કલાક્ષેત્રમાં ભારતીયોનો ઇતિહાસ ઘણો પ્રભાવશાળી રહ્યો છે ત્યારે અમદાવાદ (Ahmedabad) શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં નિવાસી 26 વર્ષીય કરણ કાલિદાસ નાયક દ્વારા અદભુત કલાકારીનું પ્રદર્શન કરવામાં આવેલ છે. કરણ માત્ર રેતીની મદદથી કોઈપણ તસવીરની આહલાદક કલાકૃતિ બનાવી શકે છે. તેઓએ પ્રાથમિક શિક્ષણ શિવાશીશ બોર્ડિંગ શાળામાંથી મેળવેલ છે. તે નાનપણથી જ કલાના ક્ષેત્રમાં ખૂબ રસ ધરાવે છે. લોકડાઉનનો સંપૂર્ણ સમય તેમણે તેમની આ કલાને સમર્પિત કર્યો હતો અને રેતીમાંથી અદભુત ચિત્રકળા કરવાનું શરૂ કરેલ જે ચિત્રોએ આજે ભારતભરમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવેલ છે.
કરણને શાળા સમયથી જ કલા ક્ષેત્રમાં ઘણા સર્ટિફિકેટ પ્રાપ્ત થયા હતા અને હાલ જ તેઓએ વર્ષ 2021માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ ભારતના પ્રથમ "સેન્ડ આર્ટિસ્ટ" તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
વર્ષ 2022માં તેમણે એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરીને પ્રથમ એશિયન સેન્ડ આર્ટીસ્ટ તરીકે સ્થાન પ્રાપ્ત કરેલ છે. સફળતાની આ અવિરત સફરમાં ત્યારબાદ તેમણે મે 2022માં ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સૌથી વધુ "સેન્ડ આર્ટ પોર્ટરેઈટ" બનાવવાનો રેકોર્ડ નોંધાવેલ છે.
અત્યાર સુધીમાં 650થી પણ વધુ સેન્ડ આર્ટ તેઓ બનાવી ચૂકેલ છે. તાજેતરમાં જ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ કરણને આ સિધ્ધિઓ મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવેલ છે. કરણ પોતાની આ સફળતાનો શ્રેય તેના માતા-પિતા , મામા અને પોતાના ગુરુને આપે છે. હવે તેઓનું લક્ષ્ય ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરીને પોતાના રાજ્ય અને દેશને ગૌરવ અપાવવાનું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર