અમદાવાદ : ટેકનોલોજીનો વ્યાપ વધતા હવે પોલીસ વિભાગ પણ ધીમે ધીમે હાઇટેક થવા લાગ્યો છે. અને તેના જ ભાગરૂપે ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહનચાલકો ને દંડ આપવા માટે ઈ મેમો (E memo) ની પણ શરૂઆત કરવામાં આવી છે. પરંતુ મોટાભાગના વાહનચાલકો ઈ મેમોની અવગણના કરતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, 79% લોકો એ અત્યાર સુધીમાં ઇ મેમોના દંડની રકમ ભરપાઈ કરી જ નથી.
વર્ષ 2015થી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહનચાલકોને દંડ આપવા માટે ઇ મેમોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે રેડ સિગ્નલ અને ઓવર સ્પીડ વાહન ચલાવતા વાહન ચાલકોને ઇ મેમો ઇશ્યું કરવામાં આવે છે. પરંતુ ટ્રાફિક પોલીસ એ આપેલ ઇ મેમોમાં દંડની રકમ અને વસૂલીની રકમ પર નજર કરીએ તો જાણે કે, ઇ મેમોની લોકો અવગણના કરતા હોય તેવું સ્પષ્ટ સાબિત થઇ રહ્યું છે.
વર્ષ 2015 થી અત્યાર સુધીમાં 74,56,004 વાહન ચાલકો ને 267,82,34,325 રૂપિયાના ઈ મેમો આપવામાં આવ્યા છે. જેમાંથી 21,47,672 વાહન ચાલકો એ 54,97,10,200 રૂપિયા દંડ ભરપાઈ કર્યો છે. જ્યારે હજી પણ 52,28,876 વાહન ચાલકો પાસે 210,68,14,085 રૂપિયા દંડ ની રકમ વસૂલ કરવાની બાકી છે. એટલે કે જો ટકાવારી માં વાત કરીએ તો માત્ર 21% લોકો જ ઇ મેમો માં દંડ ની રકમ ભરી રહ્યા છે. બાકી 79% ટકા લોકો એ ઈ મેમો માં દંડ ની રકમ ભરપાઈ કરી જ નથી. જે લોકો ને વારંવાર ઈ મેમો ઇસ્યુ કરવામાં આવે છે અને છતાં પણ તેઓ દંડ ની રકમ ભરપાઇ કરતા નથી તેઓની સામે ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વખત વિશેષ ડ્રાઇવ નું આયોજન પણ કરવામાં આવ્યું છે.
જે લોકોના 3થી વધુ ઈ મેમો ભરપાઈ કરવાના બાકી છે અને જો તે વાહન ચાલક ડ્રાઈવ દરમિયાન પકડાય છે અને જો તે દંડ ભરવા તૈયાર ના થાય તો તેના વાહન જપ્ત કરવા સુધીની કાર્યવાહી પણ પોલીસ દ્વારા ભૂતકાળમાં કરવામાં આવી છે. જ્યારે પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં ઇ મેમોની વસૂલી માટે એક અલગથી સ્કોર્ડની પણ રચના કરવામાં આવી છે. જે અલગ અલગ વિસ્તાર માં કામગીરી કરે છે.
અત્યાર સુધી મોટાભાગે જે વાહન ચાલકો રેડ સિગ્નલ નો ભંગ, સ્ટોપ લાઈન નો ભંગ કે પછી ઓવર સ્પીડ માં વાહન ચલાવતા વાહન ચાલકો ને ઈ મેમો ઇસ્યુ કરવામાં આવતા હતા. જો કે આગામી સમય માં હેલ્મેટ વગર વાહન ચાળવતા કે અન્ય ટ્રાફિક નિયમ નો ભંગ કરતા વાહન ચાલકો ને પણ ઇ મેમો ઇસ્યુ કરવા માટે પણ પોલીસ અધિકારીઓ વિચારણા કરી રહ્યા છે.