ગુજરાત સહિત ભારતમાં કોરોનાના (Coronavirus) રોજે રોજ રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યાં છે. એકતરફ તંત્ર અને સરકાર કોરોનાના દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા ગોઢવી રહ્યું છે. તો સાથે જ ગુજરાતમાં (Gujarat) એવા ઘણાં લોકો છે જે આ મહામારીમાં (corona pandemic) પોતાનું મહત્ત્વનું યોગદાન આપીને અન્યની મદદ કરે છે. આજે આપણે આવા જ એક ગુજરાતી દંપતીની (Gujarati couple) વાત કરીશું. આ દંપતીએ કોરોનાની પહેલી લહેરમાં પોતાનાં એકમાત્ર વ્હાલા દીકરાને ગુમાવ્યો છે. તો આ અમદાવાદનાં દંપતી રસિક મહેતા અને કલ્પના મહેતાએ પોતાના દીકરા માટે રાખેલી 15 લાખની એફડીને તોડાવીને કોરોનાના દર્દીઓની સેવામાં આપવાનો નિર્ધાર કર્યો છે.
રસિક મેહતા અને કલ્પના મહેતાએ વર્ષ 2020માં પ્રથમ લહેર દરમિયાન કોરોનામાં તેમનો દીકરાને ગુમાવ્યો હતો. દંપતીએ પુત્રનાં ભવિષ્ય માટે 15 લાખની એફડી કરાવી હતી. જોકે, હવે પુત્ર તો રહ્યો નથી. તેથી દંપતી એફડીના 15 લાખ રૂપિયા કોરોના દર્દીઓની સારવાર માટે ખર્ચ કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ તેઓ અત્યાર સુધી 200 આઇસોલેટ દર્દીઓને કોરોના કિટ ઉપલબ્ધ કરાવી ચૂક્યા છે. આટલું જ નહીં પોતાના ખર્ચે 350થી વધુ લોકોને તેઓ કોરોનાની રસી પણ મૂકાવી છે.
નોંધનીય છે કે, દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. દેશમાં શનિવારે આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના કુલ 4,01,993 નવા કેસ સામે આવ્યા છે.