અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી મંદિરમાં દર્શન કરીને જળ ચડાવીને સાફ સફાઇ કરતી હતી. ત્યારે તેના કાકા લોખંડનો પાઇપ લઇને મંદિરે આવીને ભત્રીજીને અહિંયા મંદિરે પુજા કરવા આવવું નહી અને મંદીરનો ઘંટ વગાડવો નહી તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા. કાકાએ જ ભત્રીજીની આબરૂ લેવાના ઇરાદે હાથ પકડી લીધો હતો. યુવતીના ફોઇ તેવામાં ત્યાં આવી જતા આરોપીએ યુવતીના ફોઇને પણ ઝપેટમાં લઇ માથાના વાળનો ચોટલો પકડીને નીચે પાડી દેતા તેઓને ઇજા થઇ હતી.
તે વખતે બૂમાબૂમ થતાં યુવતીના ભાઇઓ આવી ગયા હતા અને તેઓને પણ ઇજાઓ પહોંચી હતી. બાદમાં આરોપીએ ધમકી આપી કે, હું મારી જાતે કેરોસીન છાંટીને મરી જઇશ અને તમારા નામ લખાવી દઇશ તેમ કહી બબાલ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના અમરાઇવાડીમાં રહેતી 20 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને બી.કોમમાં અભ્યાસ કરે છે. તેના ઘરની આગળ શંકર ભગવાનું મંદિર આવેલું છે જે મંદિરની સાફ સફાઇ તે તથા તેના ભાભી કરતા હોય છે. બે દિવસ પહેલા સવારે યુવતી શંકર ભગવાના મંદિરની સાફ સફાઇ કરવા ગઇ હતી. જે વખતે તે મંદિરમાં દર્શન કરીને જળ ચડાવીને સાફ સફાઇ કરતી હતી. ત્યારે તેના ઘરની બાજુમાં રહેતા તેના કાકા પોતાના હાથમાં લોખંડનો પાઇપ લઇને મંદિરે આવીને તેને કહેવા લાગ્યા કે, અહીંયા મંદિરે પુજા કરવા આવવુ નહી અને મંદીરનો ઘંટ લગાડવો નહી તેમ કહીને તેને ગંદી ગાળો બોલવા લાગ્યા હતા.
બાદમાં યુવતીના કાકા તેની પાસે આવીને તેની આબરૂ લેવાના ઇરાદે તેનો હાથ પકડી લીધો હતો. તેમના ઘરે લગ્નમાં આવેલા તેના ફોઇ મંદિરે આવી ગયા અને યુવતીને છોડાવવા વચ્ચે પડતા યુવતીના ફોઇને તેના કાકાએ માથાના વાળનો ચોટલો પકડીને નીચે પાડી દેતા ઇજાઓ થઇ હતી. ત્યારે યુવતીએ બુમાબુમ કરતા તેના ભાઇઓ આવી ગયા હતા. ત્યારે યુવતીના કાકા લોખંડ પાઇપ ફેરવવા લાગ્યા હતા.